કાઠમંડુની હોટલમાં તેમની સરકાર વિરુદ્ધ એક દૂતાવાસ ષડયંત્ર કરતું હોવાનો આક્ષેપ કરતાં ઓલી
કાઠમંડુ, તા.28: નેપાળનાં ભારત વિરોધી વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની ખુરશી ઉપર જોખમ વધતું જાય છે. સત્તારૂઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મચેલા આંતરિક ઘમસાણ અને દેશમાં તેમની સરકાર વિરુદ્ધ ભભૂકેલા ગુસ્સાથી ધ્યાન ભટકાવવા માટે પીએમ ઓલી હવે ઉગ્ર રાષ્ટ્રવાદનાં પ્રયોગ ઉપર આવી ગયા છે. તેમણે પોતાનાં પક્ષનાં આંતરકલહ માટે ઈશામાં ભારત ઉપર આરોપ મૂકતા કહ્યું હતું કે, એક દૂતાવાસ તેમની સરકાર ખિલાફ હોટેલોમાં ષડયંત્રો રચી રહી છે.
ઓલીએ કહ્યું હતું કે, ભલે તેમને હટાવવાનાં ખેલ શરૂ થઈ ગયા હોય પણ તે અસંભવ છે. તેમણે આગળ દાવો કર્યો હતો કે કાઠમંડુની એક હોટેલમાં તેમની સરકારને ઉથલાવવા માટે બેઠકો કરવામાં આવી રહી છે અને તેમાં એક દૂતાવાસ પણ સક્રિય છે. તેમનો ઈશારો ભારત તરફ હતો. તેમણે દાવો કર્યો કે ભારતીય જમીનને નેપાળનાં નક્શામાં દેખાડનાર બંધારણીય સુધારા બાદ તેમની સામે કારસો ઘડાઈ રહ્યો છે. પરંતુ નેપાળની રાષ્ટ્રીયતા એટલી કમજોર નથી. કોઈએ વિચાર્યુ પણ નહીં હોય કે નકશા છાપવા માટે કોઈ વડાપ્રધાનને પદ ઉપરથી હટાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ઓલીની પાર્ટી હવે તૂટવાની કગારે પહોંચી ગઈ છે. પક્ષનાં કાર્યકારી અધ્યક્ષ પુષ્પકમલ દહલ પ્રચંડે ઓલીની આલોચના પછી તેમનાં રાજીનામાની માગણી પણ કરી છે. પ્રચંડે આટલેથી નહીં અટકતા ધમકી પણ ઉચ્ચારી હતી કે જો ઓલી રાજીનામું નહીં આપે તો પોતે પક્ષને તોડી પાડશે.
ખુરશી જોખમાતા નેપાળનાં PMએ ભારત સામે ઝેર ઓક્યું
