ભારતની ભૂમિ ઉપર આંખ ઉઠાવી જોનારને જડબાતોડ જવાબ મળ્યો

ભારતની ભૂમિ ઉપર આંખ ઉઠાવી જોનારને જડબાતોડ જવાબ મળ્યો
નવી દિલ્હી, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ  મારફતે રવિવારે દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, એક વર્ષમાં એક પડકાર આવે કે પચાસ, નંબર વધુ ઓછા હોવાથી વર્ષ ખરાબ નથી થઈ જતું. ભારતનો ઈતિહાસ આફતો અને પડકારો ઉપર જીત મેળવીને વધુ મજબુત બનીને બહાર આવવાનો રહ્યો છે. પીએમએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં અમુક પડોસીઓ દ્વારા જે થઈ રહ્યું છે તે પડકારનો સામનો પણ દેશ કરી રહ્યો છે. હકીકતમાં એકસાથે આટલા બધા અને આવા  સ્તરના પડકારો ખુબ ઓછા જોવા કે સાંભળવા મળે છે. પીએમએ લદ્દાખની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, લદ્દાખમાં ભારતની ભૂમિ ઉપર આંખ ઉઠાવીને જોનારાને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતને  મિત્રતા આવડે છે અને આંખમાં આંખ મેળવીને જવાબ દેતા પણ આવડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા દેશના પૂર્વ ભાગમાં અમ્ફાન તોફાન આવ્યું તો પશ્ચિમ ભાગમાં નિસર્ગ તોફાન આવ્યું. ઘણા રાજ્યોમાં ખેડૂતો તિડના હુમલાથી પરેશાન છે. તો આ દરમિયાન દેશના ઘણા હિસ્સામાં નાના-નાના ભૂકંપ પણ સતત આવી રહ્યા છે. પીએમએ આગળ કહ્યું હતું કે, સેંકડો વર્ષો સુધી અલગ અલગ આક્રમણકારીઓએ ભારત ઉપર હુમલો કર્યો. લોકોને લાગતું હતું કે ભારતની સંરચના નષ્ટ થઈ જશે.  પરંતુ સંકટ વચ્ચેથી ભારત ભવ્ય બનીને બહાર આવ્યું છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, ચાલુ વર્ષમાં દેશ નવા લક્ષ્યો મેળવશે. નવી ઉડાન ભરશે. નવી ઉંચાઈઓ મેળવશે. 130 કરોડ દેશવાસીઓ ઉપર પુરો વિશ્વાસ છે. તેમણે  ઉમેર્યું હતું કે, ભારતને જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી છે. તેનાથી શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબુત કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે તેમજ સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની રક્ષા અને પ્રતિબદ્ધતા પણ જોઈ છે. કોરોના સંકટની વાત કરતા પીએમએ કહ્યું હતું કે, અનલોકમાં કોરોનાને હરાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા ઉપર ખાસ ધ્યાન આપવાનું છે.
લદ્દાખમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, લદ્દાખમાં ભારતની ભૂમિ ઉપર આંખ ઉઠાવીને જોનારાને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવતા જાણે છે અને ઉચિત જવાબ દેવાનું પણ જાણે છે. લદ્દાખમાં જે વીર જવાન શહીદ થયા છે તેઓના શૌર્યને પુરો દેશ નમન કરી રહ્યો છે, શ્રદ્ધાંજલી આપી રહ્યો છે. પુરો દેશ તેમનો કૃતજ્ઞ  અને નતમસ્તક છે. સાથીઓના પરિવારની જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાના દુ:ખનો અનુભવ કરી રહ્યો છે.
વડાપ્રધાને આગળ કહ્યું હતું કે, બિહારના શહીદ કુંદન કુમારના પિતાના શબ્દો હજી પણ કાનોમાં ગુંજી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા કે પૌત્રને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલશે. આ જ જુસ્સો દરેક શહીદના પરિવારનો છે. તેઓનો ત્યાગ પુજનિય છે. ભારત માતાની રક્ષાના જે સંકલ્પથી જવાનોએ બલિદાન આપ્યું છે. તે સંકલ્પને દરેક લોકોએ જીવનનું ધ્યેય બનાવવાનો છે. સરહદની રક્ષા માટે દેશની શક્તિ વધે, દેશ વધારે સક્ષમ અને આાત્મનિર્ભર બને તે જ શહીદોને સાચી શ્રદ્ધાંજલી પણ બનશે. મન કી બાતમાં પીએમ મોદીએ બાળકોને દાદા-દાદી અને નાના-નાનીના ઈન્ટરવ્યુ રેકોર્ડ કરવાની અપીલ કરી હતી. જેમાં તેઓને બાળપણ અંગેના સવાલો કરીને અનુભવ મેળવવા કહ્યું હતું.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer