1 કરોડ સંક્રમિત, મૃત્યુ 5 લાખ

1 કરોડ સંક્રમિત, મૃત્યુ 5 લાખ
નવી દિલ્હી, તા. 28: છેલ્લા છ મ્હિનાથી કહેર વરસાવી રહેલા કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા હવે દુનિયામાં એક કરોડને પાર પહોંચી ગઈ છે. દુનિયાનો એક કરોડમો કેસ શનિવારે રાત્રે નોંધાયો હતો. ચીનના વુહાનથી શરૂ થયેલા વાયરસની ચપેટમાં લગભગ તમામ દેશો આવી ચૂક્યા છે અને પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અમેરિકા, રશિયા સહિતના દુનિયાભરના દેશો કોરોના વાયરસ સામે અસહાય છે. દુનિયામાંથી દરરોજ અંદાજિત 1.80 લાખ નવા કેસ સામે આવે છે. એક કરોડ કેસમાંથી અડધો અડધ કેસ ભારત સહિત ટોચના ચાર દેશોના છે. જ્યારે ભારત અને પાકિસ્તાન સહિતના દુનિયાના 19 દેશોમાં એક લાખ કે તેથી વધુ સંક્રમિત સામે આવી ચૂક્યા છે. દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 1,00,81,545 થઈ છે. જો કે 54,58,369 લોકો કોરોના વાયરસનાં સંક્રમણમાંથી ઠીક પણ થઈ ચૂક્યા છે. બીજી તરફ ભારતમાં 5.38 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી 16,247નાં મૃત્યુ થયાં છે. જ્યારે 3.16 લાખથી વધુ લોકો સાજા થઈ ચુક્યા હોવાથી એક્ટિવ કેસ 2.05 લાખ રહ્યા છે.
દુનિયામાં સૌથી વધારે 26 લાખથી વધુ કેસ અમેરિકામાં છે. સૌથી વધુ 1.28 લાખ મરણાંક પણ અમેરિકાનો છે. ભારતમાં આ લખાય છે ત્યાં સુધીમાં 5.29 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 16 હજાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને ભારતમાં કુલ મળીને 50 લાખથી વધારે સંક્રમિત નોંધાયા છે. બ્રાઝિલમાં અંદાજિત 12.86 લાખ અને રશિયામાં 6.28 લાખ કેસ છે. જો કે દુનિયાનો રિકવરી રેટ 54 ટકાએ પહોંચ્યો હોવાથી થોડી રાહત મળી રહી છે. અંદાજિત 54 લાખ લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં રિકવરી રેટ 58 જેટલો થયો છે. આ દરમિયાન ભૂતાન, વિયેતનામ, મંગોલિયા, કંબોડિયા સહિતના અંદાજિત 27 દેશોમાં કોરોના વાયરસથી કોઈ મૃત્યુ થયાં નથી.
અમેરિકા બાદ બ્રાઝિલમાં નવા કેસનો સીલસીલો ગંભીરરીતે યથાવત્ છે. બ્રાઝિલમાં દરરોજ અમેરિકા કરતા વધુ કેસ અને મૃત્યુ નોંધાઈ રહ્યાં છે. બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે. બ્રાઝિલમાં અત્યારસુધીમાં 13.20 લાખ અને રશિયામાં 6.34 લાખ કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં મૃત્યુઆંક 57 હજારને પાર પહોંચી ગયો છે. ભારતની વાત કરવામાં આવે તો 5.38 લાખથી વધારે કેસ નોંધાયા છે તેમજ 3.16 લાખ લોકો રિકવર થઈ ચૂક્યા છે.
દેશમાં હજી પણ મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ગુજરાતમાં ચિંતાજનક રીતે નવા કેસ સામે આવી રહ્યા છે. જો કે બીજી તરફ રિકવરી રેટ પણ ઉંચો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 1.59 લાખ કેસમાંથી એક્ટિવ કેસ 67,600 છે. જ્યારે દિલ્હીમાં 83,077 કુલ કેસ અને એક્ટિવ કેસ 27,847 છે. તમિલનાડુમાં એક્ટિવ કેસ 35,659 અને ગુજરાતમાં 6566 છે.
ગુજરાતમાં કેસો વધે છે, મૃત્યુ ઘટે છે
વિક્રમી 624 કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 31497
19 મૃત્યુ સાથે મરણઆંક 1800ને પાર : 391 સ્વસ્થ
અમદાવાદ, તા. 28 (પ્રતિનિધિ દ્વારા) : છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના પોઝિટિવના સૌથી વધુ 624 કેસો નોંધાયા છે અને  કુલ કેસ 31497 થયા છે.  વીતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં વધુ 19 મોત સાથે  ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1800ને વટાવીને 1809 થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં  છેલ્લા સતત 4 દિવસથી  કોરોનાનો મૃત્યુ આંક 20ની નીચે આવે છે જે એક સારી નિશાની છે. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં કોરોનાને મહાત આપવામાં 391 દર્દી સાજા થયા છે જેને લઇને ગુજરાતમાં  કુલ ડીસ્ચાર્જની સંખ્યા 22808 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડમાં 36,  પાટણમાં 11, ગાંધીનગર-11, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢમાં 10-10, મહેસાણા અને ભાવનગરમાં  8-8 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવનો આંક 20480 જ્યારે સુરતમાં  11 કેસ, કુલ આંક 4424 થયો છે. ગુજરાતમાં વીતેલા 24 કલાક દરમ્યાન અમદાવાદમાં 13, સુરતમાં 3 જ્યારે ગાંધીનગર, ભરૂચ અને અરવલ્લીના 1-1 દર્દીના મૃત્યુ થયાં હતાં. અમદાવાદનો મૃત્યુ આંક 1424 થયો છે, જ્યારે સુરતમાં 154 થયો છે. ગુજરાતમાં અત્યારે 6780 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેન્ટિલેટર પર અને 6779 સ્ટેબલ છે. વીતેલા 24 કલાક દરમ્યાન રાજ્યમાં કુલ 6158 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે  રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,63,309 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer