નવી દિલ્હી, તા. 28: કરતારપુર સાહિબ કોરિડોરને લઈને પાકિસ્તાને હંમેશાંથી ખૂબ જ ઉતાવળ અને દિલચસ્પી બતાવી છે. હવે જ્યારે કોરોના વાયરસને લઈને કોરિડોર બંધ થયા બાદ પાકિસ્તાને ભારતથી સલાહ લીધા વિના જ કોરિડોર ખોલવાની તારીખનું એલાન કરી દીધું છે. પાકિસ્તાન શીખ શ્રદ્ધાળુઓ માટે ત્રણ મહિના બાદ આવતીકાલે 29મેના સોમવારથી કોરિડોર ખોલવા માગે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે,29 જુનના મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિ છે. આ દિવસે કોરિડોર ખૂલે તેવી ઈચ્છા છે. આ મામલે ભારત સાથે વાત થઈ રહી છે.
બીજી તરફ ભારત સરકારે પાકિસ્તાનના કરતારપુર કોરિડોરને વર્તમાન સ્થિતિમાં ફરીથી ખોલવાના પ્રસ્તાવને ફગાવ્યો છે. ભારત સરકારે કહ્યું હતું કે, સદ્ભાવનાનાં નામે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમજૂતી મુજબ બન્ને સરકારોએ બીજી વખત કરતારપુર ખોલવા માટે એકબીજાને એક અઠવાડિયાનો સમય આપવો જરૂરી છે. જો કે પાકિસ્તાન માત્ર બે દિવસની અંદર જ કોરિડોરને ફરીથી ખોલવાની વાત કરી રહ્યું છે. હવે આ મામલે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવશે. ભારતે કોરોના વાયરસનાં જોખમને ધ્યાને લઈને 15 માર્ચના રોજ કરતારપુર કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ કોરિડોર 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને બાદમાં આ નિર્ણય અનિશ્ચિતકાળ સુધી લંબાવવામાં આવ્યો હતો. પંજાબમાં અકાલી દળ અને ભાજપ સાથે શીખોની સર્વોચ્ચ સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પણ કરતાપુર કોરિડોર ખોલવાની માગનું સમર્થન કર્યું છે.
નિયમ તોડીને આજથી કરતારપુર કોરિડોર ખોલવા માગે છે પાકિસ્તાન
