થઈ જાય બબ્બે હાથ : શાહનો રાહુલને ચીન મુદ્દે ચર્ચાનો પડકાર

થઈ જાય બબ્બે હાથ : શાહનો રાહુલને ચીન મુદ્દે ચર્ચાનો પડકાર
રાહુલ ગાંધીએ મન કી બાત ઉપર કહ્યું, દેશની રક્ષાની વાત ક્યારે થશે ?
નવી દિલ્હી, તા. 28: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુન મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમથી દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ચીન અને કોરોના મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. પીએમ મોદીની મન કી બાત ઉપર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો અને ટ્વિટ કરીને કહ્યું હતું કે, દેશની રક્ષા અને સુરક્ષા અંગે ક્યારે વાત થશે? આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને કહ્યું હતું કે, તેઓ ચર્ચાથી ડરતા નથી. રાહુલ ગાંધી સંસદમાં આવે અને ત્યાં 1962થી અત્યારસુધીની સ્થિતિ અંગે બે - બે હાથ કરી શકે છે.
અમિત શાહે કહ્યું હતું કે, ભારત અને ચીન ઉપર વાત કરી શકાય પણ જ્યારે જવાનો ચીનનો સામનો કરી રહ્યા હોય ત્યારે ચીન અને પાકિસ્તાનને ખુશી થાય તેવાં નિવેદનો ન આપવા જોઈએ. રાહુલ ગાંધીના સરેન્ડર મોદીનાં નિવેદન ઉપર શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલે પોતે આ અંગે વિચાર કરવો જોઈએ. આ નિવેદનને પાકિસ્તાન અને ચીનના લોકો હેશટેગ બનાવીને ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે તેમની પાર્ટીના નેતાના હેશટેગ ચીન અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે અને તે પણ આવા સંકટના સમયમાં. શાહે ઉમેર્યું હતું કે, સરકાર ભારત વિરોધી પ્રોપેગેન્ડા સામે લડવા સક્ષમ છે પણ મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ઓછી રાજનીતિ કરે તે જોઈને દુ:ખ થાય છે.
મોદી 33 મિનિટ બોલ્યા પણ ચીનનું નામ ન લીધું: કોંગ્રેસ
નવી દિલ્હી, તા. 28: ચીન સાથેના વિવાદ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસે રવિવારે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ ઉપર એક પણ વખત ચીનનો ઉલ્લેખ ન હોવાથી નિશાન તાક્યું હતું. કોંગ્રસે કહ્યું હતું કે, પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું છે ભારતને પૂર્વ લદ્દાખમાં એલએસી ઉપર જોરદાર જવાબ આપ્યો હતો. જો કે એકપણ વખત ચીનનું નામ નથી લીધું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, મન કી બાતના 33 મિનિટના કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ એક પણ વખત ચીનનું નામ નથી લીધું. પીએમ ચીનથી કેમ ડરે છે ? 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer