નવીદિલ્હી, તા.28: ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદમાં તનાવ ચરમસીમાએ છે ત્યારે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ગલવાન ઘાટીમાં 1પમી જૂને થયેલી હિંસક અથડામણ ચીનનું સુનિયોજિત ષડયંત્ર હતું. ચીનના સરકારી મીડિયાએ હવે કબૂલાત આપી છે કે ગલવાન ખીણ વિસ્તારમાં ઘર્ષણ પૂર્વે ચીની સેના પીએલએ દ્વારા પોતાના સૈનિકોની સંખ્યા વધારવામાં આવી હતી. એટલું જ નહીં પણ ચીનનાં માઉન્ટેન ડિવિઝન અને માર્શલ આર્ટમાં માહેર હત્યારાઓને સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યા હતા. જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ચીને અગાઉથી જ ખૂનખરાબાની સાજિશ બનાવી રાખેલી હતી.
ચીનના અધિકૃત સૈન્ય સમાચારપત્ર ચાઇના નેશનલ ડિફેન્સ ન્યુઝના એક અહેવાલ અનુસાર 1પ જૂન પહેલા તિબેટની રાજધાની લ્હાસામાં ચીની સેનાએ પાંચ નવા લડાયક ડિવિઝન ઉભા કર્યાં હતાં. આ ડિવિઝનમાં ચીનનાં માઉન્ટ એવરેસ્ટ ઓલિમ્પિક ટોર્ચ રિલે ટીમના પૂર્વ સદસ્યો ઉપરાંત માર્શલ આર્ટ ક્લબના લડાયકો પણ સામેલ છે. ચીનની આવી કરતૂતનાં કારણે જ ગલવાનમાં લોહિયાળ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.
ચીનનાં આ ઘાતક ડિવિઝનમાં એવરેન્ટ ટોર્ચ રિલે ટીમના સદસ્યો પહાડી વિસ્તારોમાં ચઢાણમાં કાબેલ હોય છે અને માર્શલ આર્ટના લડાયકો ઘાતક હત્યારા પૂરવાર થતાં હોય છે. લદ્દાખમાં પોતાની નીતિ બદલતા ચીને મોટી સંખ્યામાં માર્શલ આર્ટમાં માહેર લડાયકોને ભર્તી કર્યા છે. ચીન જાણે છે કે સીમા ઉપર ભારતીય સૈનિકોને પહોંચી વળવા માટે તેની સેના નબળી પૂરવાર થઈ શકે છે. તેનાં કારણે જ તે આવા ઘાતકી તાલીમબદ્ધ સૈનિકોને મેદાનમાં ઉતારી રહ્યું છે. ચીનના સરકારી પ્રસારક સીસીટીવી દ્વારા ફૂટેજ દેખાડવામાં આવ્યા છે. જેમાં સેંકડો સૈનિક તિબેટની રાજધાનીમાં કતારબદ્ધ ઉભા છે. તિબેટ કમાન્ડર વાંગ હાઈજીયાંગે કહ્યું હતું કે, એનબો ફાઇટ ક્લબમાંથી આવેલા લડાયકો હેરફેર, તત્કાળ પ્રત્યાઘાતી કાર્યવાહી અને સપોર્ટની શક્તિની વધારનાર છે.
અમેરિકાને ઘેરવા ચીનની ચાલ: કિરીબાતીમાં સેના ઉતારશે
બીજિંગ, તા. 28 : દુનિયાભરના દેશો કોરોના સામે લડી રહ્યા છે ત્યારે પ્રશાંત મહાસાગરમાં રણનીતિરૂપે મહત્ત્વપૂર્ણ કિરીબાતીમાં ચીને પોતાનો દૂતાવાસ શરૂ કરી દીધો છે. અમેરિકાને ઘેરવાના ઈરાદા સાથે ચીન આ ક્ષેત્રમાં સૈન્ય મથક ઊભું કરવાની પણ તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.
બીજીવાર ચૂંટણી જીતનારા કિરીબાતીના રાષ્ટ્રપતિ ટેનેટી મમાઉ ચીનના સમર્થક છે. અમેરિકાએ ચીનની કોઈ પણ હરકતનો જડબાંતોડ જવાબ આપવાની ઘોષણા કરી છે, ત્યારે ચીન તેને ઘેરવા ચાલ ચાલી રહ્યું છે.
ગલવાન અથડામણ ચીનની સાજિશ હોવાનું પૂરવાર
