જંગલેશ્વરના રહીશોને પતરાની કિલ્લેબંધીથી મુક્તિ મળશે

જંગલેશ્વરના રહીશોને પતરાની કિલ્લેબંધીથી મુક્તિ મળશે
-એક માત્ર અંકૂર સોસાયટી તેમજ યુનિ.રોડ પર કેવલમ રેસીડેન્સ તેમજ કિટીપરાને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સામેલ કરવા સરકારમાં દરખાસ્ત મૂકતું મ્યુનિ.તંત્ર
 
રાજકોટ, તા.1: સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો કોરોના કેસ જે વિસ્તારમાંથી બહાર આવ્યો તેવા રાજકોટના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વરમાં વસતા આશરે 40 હજારથી વધુ નાગરિકો માટે હવે રાહતના સમાચાર છે. છેલ્લા 60-60 દિવસથી અહી વસતા લોકો ક્વોરેન્ટાઈન હતાં અને હવે તેઓને પતરાઓની કિલ્લેબંધીથી મુક્તિ મળવા જઈ રહી છે. કોર્પોરેશન હવે આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી હટાવવા જઈ રહ્યું છે.  અલબત અહીની એક માત્ર અંકૂર સોસાયટી સહિત અન્ય ત્રણ સોસાયટીને ‘માઈક્રો કન્ટેન્ટમેન્ટ’ ઝોનમાં સામેલ કરવા સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું આજરોજ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
સરકારે લોકડાઉન હટાવીને અમલમાં મૂકેલા અનલોક-1 સંદર્ભે આજે કલેક્ટર કચેરી ખાતે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, કલેક્ટર રૈમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં કમિશનર ઉદિત અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા તેને કોર્પોરેશનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કર્યા હતાં જેમાં જંગલેશ્વર વિસ્તાર કેન્દ્ર સ્થાને હતો પરંતુ છેલ્લા 45 દિવસથી આ વિસ્તારમાંથી એક પણ પોઝિટિવ કેસ આવ્યો ન હોય તેને હવે કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાનું વિચારવામાં આવી રહ્યું છે. ટૂક સમયમાં અહી વસતા લોકોને આવન-જાવન માટે પૂરી છૂટ આપવામાં આવશે. એક માત્ર અહીં આવેલી અંકૂર સોસાયટી કે જ્યાંથી હજુ કેસ મળી રહ્યાં છે તેને અમે ‘માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન’ તરીકે જાહેર કરવા અને ત્યાં લોકડાઉનને લગતા તમામ નિયમો યથાવત રાખવા માટે સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી છે.
કમિશનરે ઉમેર્યુ હતું કે, અંકૂર સોસાયટી ઉપરાંત પુષ્કરધામ પાસે આવેલી કેવલમ રેસીડેન્સી તેમજ કિટીપરા રાજીવ આવાસ યોજનાને પણ મનપા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ તા.18 માર્ચના રોજ સામે આવ્યો હતો.
મક્કા-મદિનાથી પરત ફરેલા અને જંગલેશ્વરની લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2માં રહેતા નદીમ કાસમભાઈ સેવાગિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તબક્કાવાર જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ કેસ વધતા ગયાં હતાં. અહી વસતા એક વૃદ્ધાનું કોરોના કારણે મૃત્યુ નિપજ્યું હતું. સંક્રમણને કાબૂમાં લેવા સમગ્ર વિસ્તારમાં કફર્યૂ પણ લાદવામાં આવ્યો હતો. અહી વસતા લોકો અને પોલીસ વચ્ચે ચકમક પણ જરી હતી જો કે, હવે આ તમામ સમસ્યાઓનો સુખાંત આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer