પોરબંદર કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પેટ્રોલ પંપમા તોડફોડ કરીને ખંડણી મગાઇ

બે બાઇક પર આવેલા પાંચ શખસે તોડફોડ કરી ખંડણી પેટે રૂ. પાંચ લાખ માગ્યા
પોરબંદર, તા. 1: પોરબંદર  કોંગ્રેસના અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઇ ઓડેદરાના માધવપુર રોડ પર ઓડદર ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર તોડફોડ કરીને રૂ. પાંચ લાખની પાંચ શખસે ખંડણી માગી હતી.
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઇ ઓડેદરા શનિવારે રાતના ઓડદર ગામ પાસે આવેલા તેના પેટ્રોલ પંપ પર બેઠા હતાં ત્યારે બે બાઇક પર પાંચ શખસ આવ્યા હતાં અને રૂ. પાંચ લાખની ખંડણી માગી હતી અને ખંડણીની રકમ નહીં આપે તો પુત્ર સંદીપ ઓડેદરાને જાનથી મારી નાખશે તેવી ધમકી આપીને જતા રહ્યા હતાં. બીજા દિવસે તા. 31મીએ રવિવારે સામતભાઇને ફોન કરીને ધમકી આપીને ખંડણીની ફરી માંગણી કરવામાં આવી હતી. આ અંગે સામતભાઇએ પોલીસને જાણ કરી હતી. પોલીસ પેટ્રોલ પંપ પર બંદોબસ્ત ગોઠવે તે પહેલા ખંડણીની રકમ નહી મળતા ઓડદરની અસામાજિક  પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને ગુનાઇત ઇતિહાસ ધરાવતાં એ પાંચેય શખસ બાઇક પર આવ્યા હતાં અનેપેટ્રોલ પંપ પર તોડફોડ કરીને રૂ. છ લાખ જેવું નુકસાન કર્યુ હતું અને સામતભાઇ અને તેના પુત્ર સંદીપને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતાં.
ધમકી આપીને ખંડણી માગનાર શખસ ઓડદરના દાસા ભીખન છોલાણા, ધીરૂ  ભીખન, કાના રાણા અને બે અજાણ્યા શખસ હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે જિલ્લા કોંગ્રેસ  સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રામદેવભાઇ મોઢવાડિયા, શહેર પ્રમુખ પરીમલભાઇ ઠકરાર, પૂર્વ પ્રમુખ સંજયભાઇ કારિયા વગેરેએ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને ઘટનાની તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને જવાબદારો સામે ગુજકોક એકટ લગાડીને  કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer