જાસૂસી કરતા ઝડપાયા પાક. ઉચ્ચાયુક્તના બે કર્મચારી

જાસૂસી કરતા ઝડપાયા પાક. ઉચ્ચાયુક્તના બે કર્મચારી

મિલિટ્રી ઇન્ટેલિજન્સે છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા: બન્નેનો દેશનિકાલ: પાકનું પેટ દુ:ખતા ભારતીય રાજદ્વારીને બોલાવ્યા
ઈસ્લામાબાદ, તા. 1: પાકિસ્તાની ઉચ્ચાયુક્તના વિઝા સેક્શનમાં આસિસ્ટન્ટ વિઝા ઓફિસર તરીકે કામ કરતા 42 વર્ષીય આબિદ હુસૈન અને 44 વર્ષના મોહમ્મદ તાહિરને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે જાસૂસીના અપરાધમાં ઝડપ્યા હતા. આ બન્ને આઇએસઆઇ માટે કામ કરતા હતા અને ભારતમાં જાસૂસી કરતા હતા. આઇએસઆઇએ એક સિક્રેટ પ્લાન હેઠળ બન્નેઁને 2013માં ભારત મોકલ્યા હતા અને તેઓ પોતાને ભારતીય સેનાના ક્લાર્ક ગણાવી પોતાની પોસ્ટિંગ દિલ્હી સ્થિત ભારતીય આર્મીના સેન્ટ્રલ બોર્ડ પોસ્ટ ઓફિસમાં બતાવીને ભારતીય સેનાની માહિતી મેળવતા હતા. જો કે બન્નેની હિલચાલની જાણ મિલિટ્રી ઇન્ટેલિજન્સને થઈ હતી અને કરોલબાગથી ઝડપી પાડયા હતા તેમજ પર્સોના નોન ગ્રાટા ઘોષિત કરીને દેશનિકાલ કરી દેવામાં આવ્યા હતા. જેમાં બન્ને જાસૂસ અને તેના ડ્રાઇવરનો સમાવેશ થાય છે.  જાસૂસીના આરોપમાં નવી દિલ્હીમાં પોતાના ઉચ્ચાયુક્તના બે અધિકારીને નિષ્કાસિત કરાતા પાકિસ્તાનું પેટ દુ:ખ્યું છે. ભારતના આ ફેંસલા સામે મજબૂત વાંધો ઊઠાવવા માટે પાકે વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને સોમવારે બોલાવ્યા હતા. આ જાણકારી ખુદ પાકના વિદેશમંત્રાલયે આપી હતી.
જાણકારી અનુસાર આઇએસઆઇ ઉચ્ચાયુક્તમાં પોતાના બે માણસોના મારફતે ભારતમાં તમામ બોર્ડરે તૈનાત સેના અને હથિયારો અંગે ગોપનીય માહિતી મેળવવા માગતું હતું. જો કે બન્નેની જાસૂસી કામગીરીની જાણ એમઆઈ (મિલિટ્રી ઇન્ટેલિજન્સ) સુધી પહોંચી ગઈ હતી અને એમઆઈએ વર્ષની શરૂઆતથી જ બન્નેને પકડવા માટે જાળ બિછાવવાની શરૂઆત કરી દીધી હતી. એમઆઈના 3-4 અધિકારી સેના સંબંધિત જાણકારી આપવાના બહાને એક ઓપરેશન હેઠળ વાતચીત કરવા લાગ્યા હતા અને મળવા લાગ્યા હતા. આ દરમિયાન એમઆઈએ મિટિંગો અને વાતચીત રેકોર્ડ પણ કરી હતી.
રવિવારે જાસૂસ કરોલબાગમાં સેનાના જવાનોને મળવા આવ્યા હતા ત્યારે બન્ને જાસૂસ અને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને પાસેથી ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. પાકિસ્તાની જાસૂસ ઉપર ઓફિશિયલ્સ સીક્રેટ્સ એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer