કોરોના બીજા વિશ્વયુદ્ધ બાદ મોટું સંકટ

કોરોના બીજા વિશ્વયુદ્ધ બાદ મોટું સંકટ

બેંગ્લોરની રાજીવ ગાંધી યુનિ.ના સમારોહને સંબોધતાં વડાપ્રધાન : આખી દુનિયા બદલી જશે
નવી દિલ્હી, તા. 1 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અહીં કોરોના સંકટ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયા સામે સૌથી મોટું સંકટ આવ્યું છે.
વિશ્વયુદ્ધ પછી જેમ દુનિયા બદલી ગઈ હતી, તે જ રીતે કોરોના વાયરસની આફત બાદ આખી દુનિયા પૂરી રીતે બદલી જશે તેવું મોદીએ કહ્યું હતું.
કર્ણાટકના બેંગલોરમાં રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિઝના રજત જયંતી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધતાં વડાપ્રધાને એવું પણ કહ્યું હતું કે, આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સેવા યોજના છે. તેમણે કહ્યું કે આ જંગમાં કોરોના યોદ્ધાઓની ભૂમિકા ખૂબ મહત્વની છે. દુનિયા ભારત સામે જોઈ રહી છે. આપણે માનવતા સંબંધિત વિકાસ તરફ જોવું પડશે. ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ વરદી વગરના સૈનિકો છે. પીએમે કહ્યું કે વાયરસ ભલે અદ્રશ્ય છે પરંતુ કોરોના યોદ્ધાઓ અજેય, અદમ્ય છે. તેમણે કહ્યું કે 22 વધુ એઈમ્સ ખુલી છે અને ભારત વિકાસ કરી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં એમબીબીએસની 30 હજાર બેઠક વધી છે. તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ 15000નો વધારો થયો છે. કોરોના યોદ્ધાઓ પર સતત થઈ રહેલા હુમલાઓને લઈને ફરીથી પીએમ મોદીએ આકરું વલણ અપનાવતાં કહ્યું કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ફ્રન્ટલાઈન કોરોના વર્કર્સ સાથે થઈ રહેલો ખરાબ વર્તાવ જરાય સહન કરી શકાય નહીં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer