દેશમાં કોરોનાના વધુ 8392 કેસ

દેશમાં કોરોનાના વધુ 8392 કેસ

કુલ પોઝિટિવ કેસ 1.90 લાખને પાર
નવી દિલ્હી, તા. 1 : દેશમાં કોરોનાનો પ્રકોપ વચ્ચે એક નવી શરૂઆત પણ આજથી થઈ છે. 24મી માર્ચથી દેશમાં જે લોકડાઉન લાગુ હતું, તેના પાંચમા તબક્કાની શરૂઆત તો થઈ પરંતુ તેને નામ અનલોક 1 અપાયું છે. એટલે કે હવે ધીરે ધીરે દેશને ખોલવા તરફ લઈ જવાઈ રહ્યો છે. અને આજથી ઘણી છૂટછાટ અપાઈ છે. પરંતુ આ બધા વચ્ચે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કેસ 1.90 લાખને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 8392 કેસ નોંધાયા છે. 
સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા 24 કલાકમાં 8392 કેસનો જંગી વધારો થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 230 લોકોના મૃત્યુ થયાં છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 1,90,535 થયા છે. જેમાંથી 93,322 કેસ સક્રિય છે. જ્યારે 91,819 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 5394 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે. 
દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે, જ્યાં કોરોનાના કુલ 67655 કન્ફર્મ કેસ નોંધાયા છે. જ્યારે 2286 લોકોએ જીવ ગુમાવ્યા છે. 29329 લોકો સાજા થઈને ઘરે ગયા છે. બીજા નંબરે તામિલનાડુ છે જ્યાં 22333 કેસ છે. જ્યારે 173 લોકોના મૃત્યુ થયાં છે અને 12757 લોકો સાજા થયા છે. ત્રીજા નંબરે દિલ્હી છે જ્યાં કોરોનાના 19844 કેસ નોંધાયા છે અને 473 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 8478 લોકો સાજા થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer