લોકડાઉનમાં ભૂખમરો, આપઘાત અને અકસ્માતોમાં 742નાં મૃત્યુ

લોકડાઉનમાં ભૂખમરો, આપઘાત અને અકસ્માતોમાં 742નાં મૃત્યુ

પગપાળા જતા શ્રમિકોને નડેલા અકસ્માતોમાં સૌથી વધુ 209 મૃત્યુ: ભૂખમરાએ 132ને શિકાર બનાવ્યા
નવીદિલ્હી, તા.1 : દેશમાં બેકાબૂ બનેલા કોરોના મહામારીનાં પ્રકોપનો મૃત્યુઆંક વધીને પ હજારથી વધી ગયો છે. તો બીજીબાજુ લોકડાઉન પણ ઓછું જીવલેણ પુરવાર થયું નથી. લોકડાઉન દરમિયાન પેદા થયેલી મુશ્કેલીઓનાં કારણે જુદાજુદા કારણોસર સેંકડો લોકોને જીવ ગુમાવ્યા છે. એક અહેવાલ અનુસાર 30મી મે સુધીમાં દેશમાં આવી રીતે કુલ 742 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં ભૂખમરો, પગપાળા યાત્રાનો હંફાવી દેનારો થાક, દુર્ઘટના, દારૂથીમાંડીને નશાની અન્ય ચીજો નહીં મળતા થયેલા આપઘાત, પોલીસની બર્બરતા સહિતનાં કારણો મુખ્ય છે. પ્રવાસી મજૂરો માટે લોકડાઉનનો માર ઘાતક સાબિત થયો છે. પગપાળા જતાં શ્રમિકોને નડેલા અકસ્માતોમાં કુલ મળીને 209 લોકોનાં મૃત્યુ થયા છે. તો ચાલીને અને કતારોમાં ઉભા રહીને નિર્જળીકરણ સહિતનાં કારણોસર 46 લોકોનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત પ્રવાસી શ્રમિકોને તેમનાં વતન પહોંચાડતી ટ્રેનોમાં પણ 2પ લોકોનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત પોલીસની બર્બરતામાં 12 લોકોએ દમ તોડી દીધો છે. તો પ9 લોકો એવા મૃત્યુનાં ખપ્પરમાં હોમાઈ ગયા છે જે બુઝુર્ગ કે બીમાર હતાં અને તેમને લોકડાઉનનાં કારણે આવશ્યક સેવાચાકરી ન મળી શકી. લોકડાઉનમાં લોકોની મનોદશા બગડી હોવાનાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતાં અને આવી જ અવદશામાં 126 લોકોએ આત્મહત્યા કરી હતી. તેની સામે દારૂ નહીં મળતાં પ0 લોકોએ આત્મહત્યા કરેલી છે. લોકડાઉન સંબંધિત અન્ય અપરાધો અને ઘટનાઓમાં કુલ મળીને 83 લોકોનાં મૃત્યુ થયા હોવાનું અહેવાલમાં જાણવા મળે છે. જ્યારે આર્થિક સંકટ અને ભૂખમરાએ દેશમાં 132 લોકોનાં પ્રાણ છીનવી લીધા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer