મોંઘેરા સોનાની ખરીદીથી ગ્રાહકો દૂર

મોંઘેરા સોનાની ખરીદીથી ગ્રાહકો દૂર
  સોની બજારનું નૂર હણાયું, કળ વળતા વર્ષ લાગી જવાની સંભાવના: 80% બંગાળી કારીગરો વતનમાં જતા રહ્યા
રાજકોટ. તા.1 : (ફૂલછાબ ન્યૂઝ) લોકડાઉન પછી સોની બજારો ખૂલી ચૂકી છે પણ ગ્રાહકો ફરકતા નથી. એકતરફ સોનાના ભાવ ખૂબ ઉંચે ચડી ગયા છે અને બીજી તરફ લોકોની બચત લોકડાઉનમાં ખર્ચાઇ જતા હવે સોની બજારમાં ચમક આવતા ચાર કે છ માસ લાગી જાય એમ છે. 80 ટકા બંગાળી કારીગરો પણ વતન કૂચ કરી જતા બજાર ભલે ખૂલી પણ નૂર હણાયેલું છે.
ખાનગી નોકરિયાતોને લોકડાઉનના 69 દિવસ દરમિયાન ઘણી જ મુશ્કેલી પડી છે. કેટલાકની નોકરીઓ ગઇ છે તો મોટાંભાગનાને પગાર નથી મળ્યો. પરિણામે લોકોની ખરીદશક્તિ ઘટી ગઇ છે. સોનું અતિ કિંમતી અને અનાવશ્યક ચીજ છે એટલે તેની ખરીદી પર સૌથી પહેલા કાપ મૂકાયો છે. મોટાં  શોરુમોમાં પણ રોજ માંડ ચારથી પાંચ ગ્રાહક આવે તો આવે તેવી સ્થિતિ છે.
પેલેસ રોડ પરથી જી. ખુશાલદાસના ભરત રાણપરા કહે છે, રોકડની અછત બજારને ખૂબ નડી રહી છે. લોકો વેંચવા પણ બહુ જૂજ સંખ્યામાં આવે છે ત્યારે ખરીદી માટે તો ભાગ્યે જ કોઇને રસ છે.ઉલ્ટુ ઝવેરીઓને જૂની ઉઘરાણી નહીં મળતી હોવાથી તેમને પણ આર્થિક સમસ્યા થઇ રહી છે. સોનાનો ભાવ પણ કારણરૂપ છે.
ઝવેરી બજારના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નામી શો રુમોને બાદ કરતા મોટાંભાગનાએ માર્ચ પછી પગાર પણ કર્યા નથી. અલબત્ત કર્મચારીઓને ઉપાડ આપીને સાચવી લેવાયા છે. હવે બે માસના પગારનો હિસાબ-કિતાબ કરવામાં આવશે. અલબત્ત રાજકોટની સોની બજારમાંથી બહુ જૂજ લોકો એવા હશે જેમને નોકરી ગૂમાવવી પડી હશે.
રાજકોટ બુલિયન ડિલર્સ એસોસીએશનના ભાયાભાઇ સાહોલીયા કહે છે, અત્યારે ફક્ત બજાર થાળે પડી છે. ધંધો નથી. હવે કળ વળતા ખાસ્સો સમય લાગી જશે. તેમણે કહ્યું કે, સરકારે સાત વાગ્યા સુધીનો સમય આપ્યો છે પણ તેનાથી ખાસ ફરક પડે તેમ નથી. સાડા પાંચે એન્ટ્રી બંધ કરી દઇએ ત્યારે હિસાબ-કિતાબ અને દાગીના ફરી લોકરમાં ગોઠવવામાં દોઢ કલાક વ્યતિત થઇ જાય.
રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો સોનાની ખરીદીમાં મોટાંભાગે સાંજે નીકળવાનું પસંદ કરે છે પરંતુ સાત વાગ્યે બજાર બંધ કરવાની હોવાથી મુશ્કેલી પડે છે તેમ ડો. યાગ્નિક રોડની તનિષ્ક શોપના ધર્મેશભાઇએ કહ્યું હતુ. સાત વાગ્યા સુધીનો સમય ક્યાં સુધી રહે છે તેના પર માગ વધવાનો આધાર છે. તેમના કહેવા પ્રમાણે લોકો પાસે રોકડની અછત છે એટલે ખરીદશક્તિ તળિયે ગઇ છે. ધંધાનું વોલ્યૂમ મળતા ઘણો સમય લાગી જાય તેમ છે. વળી, સોનું જરુરિયાતની ચીજ નથી એટલે મુશ્કેલી રહેવાની છે. લોકડાઉન પૂર્વેની સ્થિતિએ પહોંચતા કદાચ એકાદ વર્ષ લાગી જાય તો પણ નવાઇ નહીં તેમ તેમણે ઉમેર્યું હતુ.
બીજી તરફ કારીગરો અને રત્નકલાકારોની વતન વાપસીને લીધે મોટાંભાગના લોકો વતનભણી કૂચ કરી જતા મુશ્કેલી સર્જાઇ છે. રાજકોટની સોનીબજારમાં આશરે 80થી 85 હજાર કારીગરો વિવિધ પ્રકારના કામ કરી રહ્યા છે. એમાંથી અંદાજે 55-60 હજાર કારીગરો કર્મભૂમિ છોડી જતા મુશ્કેલી છે. કારીગરો ક્યારે પરત આવશે તે નક્કી નથી એટલે બજારના ભવિષ્યની ચિંતા છે.
 
સોનું વર્ષાન્તે 50-55 હજાર થવાની સંભાવના
મધુ બારભાયા
 કોવિદ-19ને કારણે અનેક દેશોમાં લોકડાઉનને કારણે બજારો બંધ છે અને અનેક દેશોમાં આર્થિક વહેવાર સ્થગિત થઈ ગયા છે. મોટાભાગના વ્યાપાર ધંધા અને ઉદ્યોગો બંધ છે જેથી ભાવોમાં નરમાઈ આવી છે. શેર બજારોમાં ઇન્ડેક્સ ઘટી રહ્યા છે. જમીન મકાનોના કામકાજ સ્થગિત છે અને મિલ્કતોના ભાવો ગગડી રહ્યા છે જ્યારે ડોલર સહિતના ચલણો નબળા પડી રહ્યા છે. આ સંજોગોમાં લોકો પાસે નાણાં અને બચતને રોકવા માટે એક માત્ર ભરોસાપાત્ર સાધન સોનું છે. આથી હાલમાં ઘણા રોકાણકારો સોનાના હાલ ઉંચા ભાવ હોવા છતાં તેમાં રોકાણ કરી રહ્યા છે. એક વર્ષ પહેલાં સોનાનો ભાવ 10 ગ્રામના રૂ. 31500 હતો જે આજે 10 ગ્રામના વધીને રૂ. 48000 હજાર થયો છે. જાણીતા કોમોડિટી નિષ્ણાત અને વિશ્લેષક બિરેન વકીલે એવું ટાંકતા જણાવ્યું છે કે વિશ્વની  હાલની સ્થિતિ જોતા આ વર્ષના અંતે સોનાનો ભાવ વધીને 10 ગ્રામના રૂ. 50000 થઈ જાય તેવી સંભાવના છે. અણધાર્યા કે આકસ્મિક સંજોગો ઉભા થાય તો કદાચ આ ભાવ વધીને રૂ. 55000 પણ થઈ શકે છે.
વૈશ્વિક બજારમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં 15%થી વધુ વળતર મળી ચૂક્યું છે જે છેલ્લા 10 વર્ષમાં સોનામાં મળેલ સૌથી ઉંચું બીજા નંબરનું વળતર છે. જ્યારે 2019ના વર્ષમાં સોનામાં ડોલર સામે 18%થી વધુ વળતર મળ્યું હતું. તે પહેલાં સોનામાં 2017માં 14% અને 2011માં 10% વળતર મળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer