વાવાઝોડાના મિજાજનો પરચો આપતો ભાવનગર, અમરેલીમાં તોફાની વરસાદ

વાવાઝોડાના મિજાજનો પરચો આપતો ભાવનગર, અમરેલીમાં તોફાની વરસાદ

ભાવનગરમાં ભયજનક વાતાવરણ, વીજળીના ભડાકા-ર0 વૃક્ષ ધરાશાયી, એક ઈમારતનો મોટો કાચ તૂટી પડયો
 
અમરેલીમાં ર3 ગામ એલર્ટ: ‘િનસર્ગ’ સામે બાથ ભીડશે NDRF: ગુજરાતમાં 1ર ટીમ તૈનાત કરાઈ
રાજકોટ, તા.1 (ફૂલછાબ ન્યૂઝ) ર0ર0ના વર્ષમાં કુદરત કંઈક જુદા મુડમાં લાગે છે. કોરોના મહામારીએ કેડો નથી છોડયો ત્યાં વાવાઝોડું ત્રાટકવામાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 4 અને પ જુનના રોજ સૌરાષ્ટ્ર-ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડાના તિખા મિજાજનો પરચો આપતા આજે ભાવનગર અને અમરેલીમાં તોફાની વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડા સામે બાથ ભીડવા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એનડીઆરએફની 1ર ટીમ તૈનાત કરાઈ છે.
ભાવનગર: ભાવનગરમાં આજે વાતાવરણ ભયજનક બની ગયું હતું. સવારે એકાએક તોફાની પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન અને વરસાદથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કુંભારવાડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા તો ઘોઘા સર્કલ વગેરે વિસ્તારમાં ર0થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા. તોફાની પવને પતરા અને હોર્ડિંગ્સ ઉડાડયા હતા. વાઘાવાડી રોડ પર એક બિલ્ડિંગનો મહાકાય કાચ તૂટી પડયો હતો. સળંગ ચાર માળ સુધીનો કાચ ભારે પવન સામે તૂટી પડયો હતો. સદભાગ્યે જાનહાનિ થઈ ન હતી. યુનિવર્સિટી ઉપર મુકાયેલી ત્રણ સોલાર પેનલ નીચે પડી હતી.
ધારી : ધારીમાં સાંજ સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તોફાની પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા હતા. સરસિયા, દુધાળા, જીરા, વીરપુર, માધુપુર, દલખાણિયા વગેરે ગામોમાં મિનિ વાવાઝોડા સાથે ર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઈ હતી.
અમરેલી : અમરેલી જિલ્લામાં દરિયાકાંઠાના 23 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. જાફરાબાદ બંદરે એક નંબરના સિગ્નલ સાથે માછીમારોને દરિયો ન ખેડવા તાકિદ કરવામાં આવેલ હતી. જાફરાબાદ ખાતે એન.ડી.આર.એફ.ની એક ટીમ તૈનાત કરવામાં આવેલ છે. આ સાથે જોખમકારક મકાન માલિકોને સ્થળાંતર થઇ જવા તાકિદ કરવામાં આવેલ હતી. તેમજ નિચાણવાળા વિસ્તારનાં લોકોને સ્થળાંતર માટે જણાવવામાં આવેલ હતું. પીપાવાવ કોર્ટ તેમજ જાફરાબાદ બંદર ખાતે વોર્નિંગ સીંગ્નલ આપી દેવામાં આવેલ હતું. વાવાઝોડાના પગલે દરિયામાં પણ હાલ કરંટ જોવા મળી રહેલ છે.
અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પવન સાથે વરસાદ ખાબકેલ હતો. ભારે પવનનાં કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયેલ હતાં. છાપરા હોર્ડીંગ્સ ઉડેલ હતાં. કેરી પાકને ભારે નુકસાનીની દહેશત ઉભી થયેલ હતી. ખાંભામાં પણ વરસાદનાં જોરદાર ઝાપટાથી બજારોમાં પાણી છવાયેલ હતાં. લીલિયા પંથકમાં વરસાદથી નવાલી નદીમાં પાણી ભરાયા હતાં.
બગસરા : બગસરામાં પવનની આંધી સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો.
સાંજના સાત આસપાસ આંધી સાથે વરસાદ તૂટી પડયો હતો. પવનની તીવ્રતાનાં લીધે અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો. આ આંધીની અસર વોર્ડ નં.1ના નટવરનગર વિસ્તાર તેમજ વોર્ડ નં.4ના હુડકો વિસ્તારમાં વધારે વર્તાઈ હતી. હુડકો વિસ્તારમાં આવેલ પ્રા.શાળાનો ગેઇટ પડી ગયો હતો જ્યારે નટવરનગરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
બોટાદ : આજે રાત્રે 8:45 અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના ભડાકા-તડાકા પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. બોટાદમાં ઘણા ખરા વિસ્તારમાં બે દિવસથી વીજળી ગૂલ થાય છે.  શહેરનાં ભાવનગર રોડ પર ફાટક પર આવેલા અન્ડર બ્રિજમાં વર્ષા ઋતુના આરંભે જ પાણી ભરાઈ જતા ઝવેરનગર, ઘનશ્યામનગર અને એન્જોય પાર્ક સોસાયટીના રહીશોને અવરજવર માટેનો રસ્તો બંધ થતાં ભારે મુશ્કેલી પડી હતી.
પોરબંદર : પોરબંદરમાં સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થયું છે અને 4 જુન સુધી તકેદારી રાખવા અપીલ થઇ છે. લોકોને જાણકારી  માટે દરિયાઈ સીગ્નલ પણ લગાવવામાં આવ્યા છે.
જામનગર : વાવાઝોડા અનુસંધાને જામનગરમાં 24 કલાક માટે જિલ્લા કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવેલ છે. કોઇ અઘટીત બનાવ બને તો લોકોને જિલ્લા કક્ષાના કન્ટ્રોલ રૂમ 0288-2553404 તથા ટોલ ફ્રી નં. 1077 પર જાણ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત માછીમારોને દરિયામાંથી પરત આવવા તથા માછીમારોને બોટ લઇ દરિયામાં નહીં જવા તેમજ અગરિયાઓને દરિયાથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.
સુરત : નિસર્ગ વાવાઝોડું આગામી 3જીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં કિનારા પર અથડાશે. વાવાઝોડાને ધ્યાને લઇને એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. 4થી તારીખે સવારે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. સંભવિત વાવાઝોડાને લઇને સુરત મનપાનું વહીવટી તંત્ર એલર્ટ પર મુકાયું છે. શહેરભરમાંથી મનપાએ ઉંચા હોર્ડિંગને ઉતારવાની કામગીરી આરંભી છે. દરિયાકાંઠે વસતાં લોકોને શેલ્ટર હોમમાં રહેવા માટે મનપાએ શેલ્ટર હોમ ઉભા કર્યા છે.
નિસર્ગ વાવાઝોડાને પગલે આજથી જ સુરત અને આજુબાજુનાં વિસ્તારનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત અને આજુબાજુ આવેલી મંડળીઓમાં ખૂલ્લામાં પડેલો ઉનાળું ડાંગરનાં પાકને ઢાંકવા અને મંડળીઓનાં વેરહાઉસમાં મુકવા માટે ખેડૂતો અને મંડળીમાં કર્મચારીઓ યુધ્ધનાં ધોરણે કામે લાગ્યા છે.
આજે શહેરનાં કેટલાંક વિસ્તારોમાં ભારે બફારા બાદ ઝરમર વરસાદ પડયો હતો. વાવાઝોડાનાં પગલે લોકોને સર્તક રહેવા અને માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના તંત્રએ આપી છે. સુરતનાં ડુમસ દરિયા કિનારે લોકો માટે બંધ કરવામા ંઆવ્યો છે. દરિયા કિનારે આવેલ વલસાડ તાલુકાના 18, પારડી તાલુકાના 4 અને ઉમરગામ તાલુકાના 14 જેટલા ગામોના સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વડોદરા : અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લોપ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. જેને લઇને વડોદરા પાસે જરોદ સ્થિત એનડીઆરએફ હેડ ક્વાર્ટર ખાતે 15 ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 12 ટીમને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં તૈનાત કરી દેવામાં આવી છે.
રાજુલા : રાજુલા-જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર દ્વારા તકેદારીનાં પગલા ભરવામાં આવી રહ્યા છે. આ અંગે રાજુલા મામલતદાર ગઢિયાએ જણાવેલ છે કે ગ્રામ્યકક્ષાએ ફલ્ટર ટીમો બનાવવામાં આવેલ છે. જેમાં કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવાના થાય તો સ્થાનિક કક્ષાએ સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ધ્યાને લઇને વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ અંગે પીપાવાવ પોર્ટમાં પણ તકેદારીનાં પગલાઓ ભરવામાં આવેલ હોવાનું પોર્ટ અધિકારી અને જીએમ સંજયસીંગ દ્વારા જણાવવામાં આવેલ છે. હાલમાં પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ અંગે ફિશરીઝ વિભાગના જાફરાબાદના ટોપરાણીએ જણાવેલ છે કે જાફરાબાદમાં માછીમારોની બોટો તા. 28-5-20થી આવી ગયેલ છે.
 
વાવાઝોડા સંદર્ભે સાવચેતી માટે હાપા માર્કેટ યાર્ડ બંધ
જામનગર મારકેટ યાર્ડ (હાપા)માં મંગળવાર તા.02થી નવી જાહેરાત થાય નહીં ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવશે. માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલના જણાવ્યાનુસાર સંભવિત વાવાઝોડા તથા વરસાદના અનુસંધાને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
 
 
ભાવનગરમાં વાવાઝોડા સામે તંત્ર સજ્જ
 
ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જિલ્લા-તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બે દિવસની વિશેષ ડ્રાઈવ ચલાવી રાહત બચાવનાં સાધનો જેવા કે જનરેટર સેટ, લાઈફ બોટ, લાઈફ જેકેટ્સ તૈયાર કરાયા હતાં. ભાવનગર, મહુવા, ઘોઘા તેમજ તળાજા તાલુકાના નિચાણવાળા વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત 34 ગામોમાં તાલુકા કક્ષાની ટીમો દ્વારા ગામોની મુલાકાત લઇ સ્થાનિક સરપંચ, તલાટી કમ મંત્રી, રેશનશોપ ડીલર એમડીએમ સંચાલક, આપદા મિત્ર અને ગ્રામસેવક સાથે રાખી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અવગત કરવામાં આવેલ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer