કેરળથી નૈઋઍત્ય ચોમાસાનો ભારતપ્રવેશ

કેરળથી નૈઋઍત્ય ચોમાસાનો ભારતપ્રવેશ

વરસાદી મોસમ બેસવાની સત્તાવાર ઘોષણા : આ વર્ષે ચોમાસુ સારું રહેવાનો મંગળ વર્તારો
નવી દિલ્હી, તા. 1 : ભારતમાં ચોમાસાંએ ટકોરા મારી દીધા છે. સોમવારે બરાબર પહેલી જૂને જ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાંએ કેરળનો કાંઠો ભીંજવતાંની સાથે જ ચાર મહિના લાંબી વરસાદની મોસમનાં મંગળ મંડાળ થઈ ગયાં છે. આ વરસે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો મંગળ વર્તારો મળી રહ્યો છે.
ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાંની શરૂઆત થઈ ચૂકી છે.
કેરળમાં આજે પ્રારંભે જ ભારે વરસાદ વચ્ચે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે રાજ્યના તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટાયમ, એર્નાકુલમ, ઈડ્ડક્કી, મલપ્પુરમ્ અને કન્નૂર એમ નવ જિલ્લામાં યેલો એલર્ટ જારી કર્યો હતો.
દક્ષિણ ભારતીય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે તાપમાનમાં ભારે ઘટાડો થતાં લોકોએ ઉકળાટથી નોંધપાત્ર રાહત અનુભવી હતી.
ખાસ ઉલ્લેખનીય છે કે, દેશના હવામાન વિભાગે અગાઉ, કેરળમાં આ વખતે ચોમાસાંની મોસમ મોડી શરૂ થશે તેવું પૂર્વાનુમાન કર્યું હતું.
જુલાઇથી સપ્ટેમ્બર સુધી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના મોસમના વરસાદના બીજા તબક્કાના લાંબાગાળાના પૂર્વાનુમાન અંગેની વિગતો આપતાં ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ ડો. એમ. રાજીવને કહ્યું હતું કે, પરિસ્થિતિઓ સારાં ચોમાસાંની તરફેણમાં આવી રહી છે.
આ પરિસ્થિતિઓને નજર સામે રાખતાં દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન લાંબાગાળાની સરેરાશનો 102 ટકા એટલે કે 88 સે.મી. વરસાદ થશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer