અમેરિકામાં અંધાધૂંધી ા 40 શહેરોમાં હિંસા, કર્ફ્યૂ

અમેરિકામાં અંધાધૂંધી ા 40 શહેરોમાં હિંસા, કર્ફ્યૂ
 
દેશનાં છેલ્લાં 52 વર્ષનાં ઈતિહાસમાં સૌથી ભીષણ વંશીય તોફાનો: 120 જેટલાં શહેરોમાં વિરોધ પ્રદર્શન: રાષ્ટ્રપતિ ટ્રમ્પને એકાદ કલાક માટે વ્હાઇટ હાઉસનાં બંકરમાં શરણ લેવા ફરજ પડી
 
વોશિંગ્ટન, તા.1: અશ્વેત નાગરિકના પોલીસ કસ્ટડીમાં થયેલા મોત પછી ભડકેલી હિંસાની આગ હવે અમેરિકાભરમાં પ્રસરી ગઈ છે. અમેરિકાના આશરે 120 જેટલાં શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને તોફાનોથી હાહાકાર મચી ગયો છે. આ તોફાનમાં અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થઈ ગયાં છે. 40 જેટલાં શહેરોમાં વકરેલી સ્થિતિને કાબૂમાં લેવા માટે કર્ફ્યુ લાદી દેવાની ફરજ પડી છે અને હજારો લોકોની ધરપકડો કરવામાં આવી છે. આટલું જ નહીં પણ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડા વખત માટે વ્હાઇટ હાઉસનાં બંકરમાં શરણ લેવાની ફરજ પડી હતી.
આફ્રિકીમૂળનાં અમેરિકી જ્યોર્જ ફ્લોયર્ડના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ બાદ સતત છઠ્ઠા દિવસે અમેરિકાભરમાં તોફાનો ચાલુ રહ્યાં છે. વોશિંગ્ટન સહિતનાં 40થી વધુ શહેરોમાં ઉપદ્રવીઓ બેકાબૂ બનતા કાયદો અને વ્યવસ્થા બહાલ કરવાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે અમેરિકાનાં ઈતિહાસમાં આ છેલ્લાં પ2 વર્ષનાં સૌથી ભીષણ વંશીય તોફાનો છે. આ પહેલાં વર્ષ 1968માં માર્ટિન લ્યુથર કિંગની હત્યા પછી પણ આવી જ હિંસક અથડામણો ફાટી નીકળી હતી.
વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પાસે પણ આજે ત્રીજા દિવસે આક્રમક વિરોધ પ્રદર્શન જારી રહ્યા હતા અને જોતજોતામાં ભીડ હિંસક બની જતાં પોલીસને અશ્રુવાયુના ગોળા દાગવાની અને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં અધિકૃત નિવાસ પાસે પોલીસ ઉપરાંત સીક્રેટ સર્વિસની સહાયતા માટે યુએસ નેશનલ ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ બહાર જ તોફાનો ભડકી ઉઠતાં આશરે એકાદ કલાક જેટલો સમય માટે ટ્રમ્પને બંકરમાં સ્થળાંતરિત કરીને સુરક્ષિત કરી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે આ તોફાન ફેલાવવાના આરોપમાં એન્ટીફા નામક સંગઠન ઉપર પ્રતિબંધનું ફરમાન પણ કરી દીધું હતું.
અમેરિકાનાં વિભિન્ન રાજ્યોનાં અનેક શહેરોમાં વિરોધી દેખાવો રમખાણમાં ફેરવાઈ જતાં ઓછામાં ઓછા 20 રાજ્યોમાં નેશનલ ગાર્ડના સૈનિકોને તૈનાત કરવાની ફરજ પડેલી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગત સપ્તાહના અંતમાં અમેરિકાનાં જુદા-જુદા શહેરોમાંથી કુલ 4100 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમાંથી 20 ટકા લોકોની ધરપકડ તો એકલા લોસએન્જલસમાં જ થઈ છે. સંખ્યાબંધ શહેરોમાં સુરક્ષાદળોની ફ્લેગમાર્ચ કાઢવામાં આવી હોવા છતાં હજી સુધી દેશમાં શાંતિના કોઈ અણસાર વર્તાઈ રહ્યા નથી.
આ અશાંતિ સૌપ્રથમ મિનેસોટાનાં મિનીપોલીસમાં સર્જાઈ હતી અને છ દિવસમાં જ તે દાવાનળની જેમ આખા દેશમાં ફેલાઈ ગઈ છે. લોસ એન્જલસ, શિકાગો, ન્યૂયોર્ક, હ્યૂસ્ટન, ફિલેડેલ્ફિયા, સાંતામોનિકા, એટલાન્ટા અને વોશિંગ્ટન ડીસી સહિતનાં મહાનગરોમાં મોટાપાયે આગજની અને તોડફોડ મચાવવામાં આવી છે. આ ઉપરાંત તોફાનનો ગેરલાભ ઉઠાવતા અસામાજિક તત્ત્વોએ મોટાપાયે લૂંટફાટ પણ મચાવી દીધી હોવાની ઘટના ઠેરઠેર બની છે.
 
અમેરિકા સાથેના વિવાદથી દૂર રહે ભારત : ચીનની ચેતવણી
નવી દિલ્હી, તા. 1 : લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીને ચેતવણી આપતા કહ્યું છે કે ભારતે ચીન-અમેરિકા વચ્ચેના વિવાદથી દૂર રહેવું જોઈએ. કોરોના વાયરસ સહિત વિભિન્ન મુદ્દે અમેરિકા સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે ચીને ભારતને ટકરાવથી દૂર રહેવાની સલાહ આપી છે. દરમિયાન લદ્દાખમાં ભારતીય સીમા નજીક ચીનના યુદ્ધ વિમાનો ઉડતા દેખાયા હોવાના અહેવાલો પણ મળ્યા હતાં.
બીજિંગે ચેતવણી આપી હતી કે,  ભારતે નવા કોલ્ડ વોરમાં ચીન ઉપર હુમલો કરનારા અમેરિકાનું મ્હોરૂં ન બનવું જોઈએ. બાકી કોવિડ-19 મહામારી વચ્ચે મોટા પાયે આર્થિક નુકશાન પણ ઉઠાવવું પડશે. બીજી તરફ લદ્દાખમાં ગતિરોધ વચ્ચે દુનિયાભરના વિશેષજ્ઞોએ ચીનના રાષ્ટ્રપતિને ચેતવણી આપી છે કે કોરોનાને લઈને થતી આલોચનાથી બચવા રાષ્ટ્રવાદ અને સંપ્રભુતાને હવા આપવી ન જોઈએ. તેનાથી ચીનને ભારે નુકશાન થશે. ચીની કોમ્યૂનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેલીના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદી ભાવના ઉફાણમાં છે અને એવો અવાજ ઉઠી રહ્યો છે કે ચીન અને અમેરિકા વચ્ચેના કોલ્ડવોરમાં સામેલ થઈને સર્વાધિક લાભ મેળવવો જોઈએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer