બજરંગવાડીના પરવાનેદારે 1,000 ગરીબોનું રાશન બારોબાર વેચી નાખ્યું

બજરંગવાડીના પરવાનેદારે 1,000 ગરીબોનું રાશન બારોબાર વેચી નાખ્યું

પુરવઠા તંત્રએ દરોડો પાડીને ઘઉં, ચોખા, ખાંડ સહિતના રૂ.67 હજારનો જથ્થો સીઝ કર્યો : 90 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ

રાજકોટ, તા.29 : રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને નિ:શુલ્ક અનાજ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ શહેરના બજરંગવાડીમાં સસ્તા અનાજના દુકાનદારે કપરી સ્થિતિમાં પણ ગરીબોનું અનાજ બારોબાર વેંચી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે. અંગેની ફરિયાદ બાદ પુરવઠા તંત્રએ દરોડો પાડીને ઘઉં, ચોખા, ખાંડ સહિતનો રૂ.67 હજારનો જથ્થો સીઝ કરીને દુકાનદારનું લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યું છે.

બજરંગવાડી-2માં પરવાનેદાર બી.ડી.જોષીની સસ્તા અનાજની દુકાનમાં ગઈકાલે પુરવઠા ઈન્સ્પેકટર એચ.ડી.પરસાણિયા અને કે.એમ.ઝાલાએ દરોડો પાડયો હતો. દુકાનમાં તપાસ કરતા ઘઉં 961 કિલો, ચોખા 98 કિલો, ખાંડ 23401 કિલો, મીઠુ 461 કિલોની ઘટ માલુમ પડી હતી. પુરવઠા ઈન્સ્પેકટરો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરીને હાજર જથ્થાની ગણતરી કરતા દુકાનદારે ગરીબોને મફત આપવાનું અનાજ બારોબાર વેચી નાખ્યું હોવાની વિગત પ્રકાશમાં આવી છે.  પુરવઠાતંત્રએ દુકાનમાં પડેલા રૂ.12700ની કિંમતના 6350 કિલો ઘઉં, રૂ.9150ની કિંમતના 3050 કિલો ચોખા, રૂ.5500ની કિંમતની 250 કિલો ખાંડ, રૂ.37800ની કિંમતના 900 કિલો ચણા, રૂ.460નું મીઠું તેમજ રૂ.2295ની કિંમતનું 135 લીટર કેરોસીન મળીને કુલ રૂ.67905નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer