રાજકોટની ટીપરવાન ‘કચરા’ને બદલે ‘મોત’ એકઠું કરે છે કે શું?

રાજકોટની ટીપરવાન ‘કચરા’ને બદલે ‘મોત’ એકઠું કરે છે કે શું?

નશામાં ધૂત થઈ, માતેલા સાંઢની જેમ બેકાબૂ બનેલા ડ્રાઈવરો પર મ્યુનિ.કમિશનર લગામ કસશે ?

ટીપરવાન અડફેટે દર વર્ષે સરેરાશ એક વ્યક્તિનો ભોગ લેવાય છે

જનકસિંહ ઝાલા

રાજકોટમાં મનપા હસ્તક દોડતી ટીપરવાનના ચાલકો અને ક્લીનરોને શિસ્ત અને અનુશાસનના પાઠ ભણાવવાની જરૂરિયાત છે. કોર્પોરેશન સ્વચ્છતાની વાતનો બળગા ફૂંકે છે પરંતુ નશામાં ધૂત થઈને ફરતા, ચાલુ વાહને મોબાઈલમાં વાતચીત કરતા અને કામમાં દિલદગડાઈ કરતાં કેટલાક ટીપરવાન ચાલકોના ‘મગજનું સ્વચ્છતા અભિયાન’ ખરેખર હાથ ધરવું જરૂરી બની ગયું છે.

પૂરપાટ ઝડપે કચરાગાડી ચલાવવામાં ડ્રાઈવરોને શૂરાતન ચડે છે. પોશ વિસ્તારોને બાદ કરતા ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવાનું તેઓએ માંડી વાળ્યું છે. નિયમ મુજબ ગૃહિણીઓ પાસેથી કચરો લઈને ડ્રાઈવરની બાજુમાં બેઠેલા વ્યક્તિએ વાનમાં નાખવાનો હોય છે પરંતુ એવું ભાગ્યે બને છે. કૌભાંડ એટલું વધી ગયું છે કે, પગારને સીધો ચાંઉ કરવા માટે કોન્ટ્રાક્ટરો અમુક ટીપરવાન માત્ર એક ડ્રાઈવરથી ચલાવે છે અને આવા ડ્રાઈવરોની બેફિકરાઈના કારણે છેલ્લા ત્રણ વર્ષથી એક-એક વ્યક્તિનો ભોગ લેવાઈ રહ્યો છે.

વર્ષ 2018માં રૈયાધાર પાસે આવેલા મનપાના ગાર્બેજ સ્ટેશનમાં ટીપરવાનને રિવર્સમાં લેતી વખતે ચાલકની બેદરકારીથી ગાડી અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી કોર્પોરેશનના એક કર્મચારી રણજીતભાઈ સાગઠિયાનો ભોગ લેવાયો હતો. સફાઈ કોન્ટ્રાક્ટરે વળતર પેટે મૃતકના પરિવારને ચેક આપ્યો હતો અને કોર્પોરેશનને મૃતકના વારસદારને નોકરી માટે ઘટતુ કરવાના ઠાલા વચનો ! એવું પૂરવાર થયેલુ કે, જીવલેણ અકસ્માત સર્જનારા ડ્રાઈવર પાસે લાયસન્સ પણ હતું.

ટીપરવાને વર્ષ 2019માં પણ એક વ્યક્તિનો ભોગ લીધો. ગાંધીગ્રામ શેરી નં.4માં રહેતા ભીમજીભાઈ દેવરાજભાઈ જેઠવા નામના વૃદ્ધ સ્કૂલ યુનિફોર્મ સિવવાનું કામ ઘરે બેઠા કરતા હતાં, ભીમજીભાઈનો વાંક એટલો કે તેઓ બજારમાં કાપડ લેવા નિકળ્યાં અને રૈયા રોડ ઓવરબ્રિજ પર ગોઝારી ટીપરવાને તેમને અડફેટે લીધા. ઘટના સ્થળે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો.

ટીપરવાને ગઈકાલે ફરી હેટ્રીક સર્જી..શાત્રીમેદાન પાસે ભૂપત બાંભણિયા નામનો વ્યક્તિ કે જે દાહોદનો વતની હતો અને પોતાના ઘરે જવા નિકળ્યો હતો તેને ટીપરવાનના ચાલકે ઠોકરે લીધો. ઘટના સ્થળે ભૂપતભાઈનું મૃત્યુ નિપજ્યું. ટીપરવાને બાળકોને પણ અડફેટે લીધાની ઘટનાનું સાક્ષી રાજકોટ શહેર બન્યું છે.

કમિશનર ઉદિત અગ્રવાલને માત્ર એટલું કહેવાનું કે, આપ શહેરથી હવે ધીરેધીરે વાકેફ થઈ રહ્યાં છો ત્યારે માતેલા આંખલાની જેમ બેકાબૂ બની ચૂકેલા ડ્રાઈવરો પર લગામ કસો.. નહીં તો વધુ જીંદગી હોમાશે.. અસ્તુ :

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer