રેડીમેડ-કાપડના ધંધા લોકડાઉન ખૂલ્યાં પછી પણ હજુ ફિક્કા

રેડીમેડ-કાપડના ધંધા લોકડાઉન ખૂલ્યાં પછી પણ હજુ ફિક્કા

ગ્રાહકો અલ્પ સંખ્યામાં આવે છે- ઓડઇવન અને સમયમર્યાદાથી ધંધામાં મુશ્કેલી

રાજકોટ, તા.29: (ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ શહેરમાં અગિયાર દિવસથી બજારો ખૂલી છે પણ હજુ માહોલ જામતો નથી. કાપડ અને રેડીમેડની દુકાનોની સ્થિતિ ખરાબ છે. ગ્રાહકો ખૂબ ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે. દરજીની દુકાનો ખૂલવા લાગી છે એટલે કાપડ ખપે છે. રેડીમેડમાં પણ આવશ્યકતા હોય તેવા લોકો ખરીદી જાય છે. સરવાળે ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, કાપડ માર્કેટ અને યાગ્નિક રોડના શો રુમોમાં સવારે દસથી બે વાગ્યા સુધી લોકો આવે છે.

શહેરમાં ઓડ-ઇવન પધ્ધતિથી દુકાનો ખૂલે છે. જોતા ફક્ત પાંચેક દિવસથી કામકાજ શરું થયું છે. બજારો હવે લોકોની ગિર્દીથી ધમધમે છે પણ ગ્રાહકો ઓછાં હોય છે.

ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશનના પ્રનંદ કલ્યાણી કહે છે, શોરુમો ખૂલવા લાગ્યા છે પણ આકરાં તાપને લીધે એક વાગ્યા સુધી માંડ ગ્રાહકો આવે છે. બિલ બહુ ઓછાં બને છે. કાપડમાં ખરીદી સાધારણ છે. દરજીની દુકાનો ખૂલે છે એટલે જરુરિયાત હોય તેવા લોકો આવતા જરુર થયા છે.

જોકે તમામ વેપારીઓને ઓડ ઇવન પધ્ધતિ અને કામના કલાકોની સમય મર્યાદા ખૂબ નડી રહી છે. સરકાર ઓડ ઇવન પધ્ધતિમાંથી મુક્તિ આપે તેવી માગ સૌ કરી રહ્યા છે.

યાગ્નિક રોડ ઉપર ડ્રેસવાલા શોરુમના કેતન ડ્રેસવાલાનું કહેવુ છે કે, રેડીમેડમાં ઠીક ઠીક ઘરાકી છે. રોજીંદા ખર્ચ નીકળે તેટલી આવક પણ મુશ્કેલ છે. બંધમાં ખર્ચ હતા પણ હવે દુકાનો ખૂલતા વધી ગયા છે.

રેડીમેડના ધંધામાં ઘણા વેપારીઓને મુશ્કેલી પડી રહી છે કારણ કે ગ્રાહક ટ્રાયલ કરવા માટે શર્ટ, પેન્ટ કે ટીશર્ટ લઇ જાય ત્યારે તે જીવાણુમુક્ત બનાવવાના પ્રશ્નો સર્જાય.

કેતનભાઇ કહે છે, ઘણા શોરુમ ધારકોએ ગ્રાહકોને સમજાવીને પસંદ આવે તેવા એક કે બે રેડીમેડ ટ્રાયલ કરવા માટે સૂચના આપતા રહેવું પડે છે. અન્ય એક વેપારી કહે છે, અમે ગ્રાહકોને માપ પ્રમાણે પસંદ કરવાનું કહીએ છીએ. પછી ટ્રાયલ માટે આપીએ છીએ. ટ્રાયલ કરેલા રેડીમેડને અલાયદા રુમમાં એક દિવસ માટે રાખી દેવામાં આવે છે. વેપારીઓ કહે છે, સરકાર હવે ચોથું લોકડાઉન ખૂલ્યાં પછી સમય મર્યાદામાં વધારો કરી આપે અને ઓડ ઇવન સિસ્ટમ દૂર કરે તો ધંધા ફરીથી પાટે ચડી શકે તેમ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer