લોકડાઉન-5 : મંદિર અને મોલ ખૂલશે?

લોકડાઉન-5 : મંદિર અને મોલ ખૂલશે?
વધુ છૂટ આપવાની સત્તા રાજ્યોને મળવાની શક્યતા
નવીદિલ્હી, તા.29: લોકડાઉન ચોથું પણ હવે પૂર્ણતાની આરે છે અને કોરોના સામેનાં જંગની ભાવિ રણનીતિ ઘડવા માટે કેન્દ્ર સરકારની કવાયત પણ વેગવાન બની ગઈ છે. જેમાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ગુરુવારે સલાહ-સૂચન કર્યા બાદ આજે ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં અને આગામી વ્યૂહને આખરી ઓપ અપાયો હોવાનું કહેવામાં આવે છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 1 જૂનથી બે સપ્તાહ માટે આર્થિક ગતિવિધિઓ માટે વધુ કેટલીક મોકળાશ અને રાજ્યોને પોતાનાં દિશાનિર્દેશો નક્કી કરવા માટેની વધુ સત્તા સાથે બે સપ્તાહ માટે લોકડાઉન લંબાવી દેવામાં આવશે.
આજે ગૃહમંત્રી અમિત શાહ 7 - જનકલ્યાણ માર્ગ ખાતે વડાપ્રધાન નિવાસે જઈને નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. જ્યાં તેમણે મુખ્યપ્રધાનો સાથેની વાટાઘાટનાં સારથિ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતાં અને દેશમાં કોરોનાની સ્થિતિનો ચિતાર પણ આપ્યો હતો. હવે વડાપ્રધાન મોદી રવિવારે પોતાનાં રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કરવાનાં છે ત્યારે તેમાં જ લોકડાઉન સંબંધિત કોઈ ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના જોવામાં આવે છે પણ તેને કોઈ અધિકૃત પુષ્ટિ મળતી નથી.
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી શાહ સાથેની મુલાકાતમાં કેટલાક રાજ્યોએ લોકડાઉન લંબાવવાની માગણી દોહરાવી હતી અને સાથોસાથ આર્થિક પ્રવૃત્તિઓ માટે વધુ છૂટછાટની આવશ્યકતા પણ દર્શાવી હતી. રાજ્યો તરફથી આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ વિશે આજે શાહે મોદીને જાણકારી આપી હતી.
મહારાષ્ટ્ર, તામિળનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા અમુક રાજ્યોની હાલત કોરોનાથી અત્યંત ખરાબ છે. તેથી આ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે લોકડાઉન લંબાવવાની માગણી કરવામાં આવી રહી છે. જો કે હવે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે હોટેલ, રેસ્ટોરાં અને જીમ પણ ખોલવા માટે છૂટની માગણી થઈ રહી છે.
જો હવે લોકડાઉન લંબાવવામાં આવશે તો પણ અનેક પ્રકારે વધુ છૂટછાટો આપવાની સત્તા રાજ્યોને આપી દેવાશે. જેમાં ધર્મસ્થાનો, શોપિંગ મોલ, જીમ અને સલૂન ઉપરથી બંધી હટાવવાની સત્તા રાજ્ય સરકારોને આપવામાં આવી શકે છે. જો કે શાળા-કોલેજો હજી પણ બંધ જ રહેશે અને આવી જ રીતે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ પણ હમણાં શરૂ કરવામાં આવે તેવું જણાતું નથી. તો બીજીબાજુ હવે મેટ્રો ટ્રેનની સેવાઓ ધીમેધીમે ફરીથી શરૂ કરવામાં આવી શકે છે.
ટૂંકમાં સરકાર હવે દેશનાં અર્થતંત્રને વધુ લાંબો વખત માટે અટકાવી રાખવા માગતી નથી. દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, પુણે, અમદાવાદ, ઈન્દોર, થાણે, ચેન્નઈ, જયપુર અને સુરત જેવા શહેરો કે જ્યાં કોરોનાનો ઉપદ્રવ વધુ છે તેનાં ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સરકાર દેશમાં અન્યત્ર આર્થિક ગતિવિધઓ પૂર્વવત થઈ જાય તેવું ઈચ્છતી હોય તેમ લાગે છે.
15થી 20 દિવસની અમરનાથ યાત્રા યોજાશે
શ્રીનગર તા. 29: કોરોના મહામારી વચાળે અમરનાથ યાત્રા યોજાવા અંગેની અનિશ્ચિતતા દૂર થઈ છે: 1પથી 20 દિવસના ટૂંકા સમયગાળાની અમરનાથ યાત્રા યોજવા બાલતાલ રુટ વાપરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના લે.જન.મુર્મુ, ડીજીપી દિલબાગસિંહ અને અન્યોની ઉપસ્થિતિવાળી બેઠકમાં આ સાથે નિર્ણય લેવાયો હતો કે બાલતાલ રુટને સાફ કરાશે અને ડીસી ગેન્ડરબાલને સૂચના જારી થઈ હોવાનું સૂત્રો જણાવે છે.
1 જૂનથી પ. બંગાળમાં ખૂલશે ધર્મસ્થાનો
કોલકતા, તા.29 : લોકડાઉન-4ની અવધિ સમાપ્તી ઉપર છે અને હવે પાંચમુ લોકડાઉન રાજ્યોને વધુ છૂટછાટ આપવાની સત્તા સાથે લાગુ કરવામાં આવે તેવી સંભાવના વચ્ચે આજે પશ્ચિમબંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ 1 જૂનથી રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની શરતી છૂટ આપી દીધી છે.  મમતા બેનરજીએ આજે કહ્યું હતું કે, 1 જૂનથી પશ્ચિમ બંગાળમાં ધર્મસ્થાનો ખોલી શકાશે પણ કોઈ મોટા આયોજનોને છૂટ નહીં મળે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં એક સાથે 10થી વધુ લોકોને પ્રવેશની અનુમતિ આપવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, 8 જૂનથી તમામ સરકાર અને બિનસરકાર સંસ્થાઓને પણ પૂરેપૂરી છૂટ આપવામાં આવશે. તેમનાં ઉપર કોઈપણ પ્રકારના નિયંત્રણ રાખવામાં આવશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer