વિકાસ દર 11 વર્ષના તળીયે

વિકાસ દર 11 વર્ષના તળીયે
વાર્ષિક GDP ગ્રોથ 4.2% : કોર સેક્ટર ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદનમાં 38 ટકાનો ઘટાડો

નવી દિલ્હી, તા. 29 : કોરોના વાયરસના સંકટ વચ્ચે સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફિસે નાણાકીય વર્ષ 2019-20ના જીડીપી વિકાસ દરના આંકડા જારી કર્યા છે. પુરા નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો જીડીપી વિકાસ 4.2 ટકા રહ્યો છે. જયારે છેલ્લા ત્રિમાસિક ગાળાનો જીડીપી વૃદ્ધિદર 3.1 ટકા રહ્યો છે. જે છેલ્લા 11 વર્ષનો સૌથી નીચો દર છે. બીજી તરફ લોકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં આઠ પ્રમુખ ઉદ્યોગોના કોર સેક્ટરના ઉત્પાદનમાં 38.1  ટકાનો ઘટાડો  આવ્યો છે. માર્ચ 2020માં કોર સેક્ટરના ઉત્પાદનમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ અગાઉ જાન્યુઆરીમાં સરકારે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20માટે જીડીપી ગ્રોથ રેટ 5 ટકા રહેવાનું અનુમાન છે એટલે કે તાજા આંકડા સરકારના અનુમાનથી 0.8 ટકા ઓછા છે.
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફીસના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળા એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિના વચ્ચે જીડીપી વિકાસ દર 3.1 ટકા છે. જે 11 વર્ષનો સૌથી  નબળો દર છે. 2019-20ના ડિસેમ્બરના ગાળામાં આ દર 4.7 ટકાએ હતો. આ ઉપરાંત 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળા માટે જીડીપી ગ્રોથ રેટ સંશોધિત કરીને 5.6 ટકા અને બીજા ત્રિમાસિક ગાળા માટે 5.1 ટકા કરવામાં આવ્યો હતો. 2018-19ના પહેલા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ 8 ટકા ઉપર હતો અને પછીના સમયગાળામાં ઘટીને 7 ટકા થયો હતો. આવી રીતે ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.4 ટકા અને ચોથામાં 5.8 ટકા રહ્યો હતો.
આ દરમિયાન એપ્રિલ મહિનાના કોર સેક્ટરના આંકડા સામે આવ્યા છે. જેમાં પણ ઝટકો લાગ્યો છે. એપ્રિલ મહિનામાં આઠ પ્રમુખ ઉદ્યોગોના કોર સેક્ટરના ઉત્પાદનમાં 38.1 ટકાનો ઘટાડો થયો છે. કોર સેક્ટરમાં કોલસો, સિમેન્ટ, સ્ટીલ, નેચરલ ગેસ, રિફાઈનરી, વિજળી, ખાતર અને ક્રૂડ ઓઈલને સામેલ કરવામાં આવે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં કોર સેક્ટરનો હિસ્સો અંદાજીત 40.27 ટકા રહે છે. સૌથી વધુ ઝટકો સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરને લાગ્યો છે. જેના ઉત્પાદનમાં ક્રમશ: 83.9 ટકા અને 86 ટકાનો ઘટાડો આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer