કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો 10% ચાર્જ ઘટાડશે !

કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો 10% ચાર્જ ઘટાડશે !
કોરોનાના દર્દી પાસેથી વધુ નાણાં વસૂલનારી તથા ખઘઞનું ઉલ્લંઘન કરનારી હોસ્પિટલ સામે થશે કાર્યવાહી
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં કોવિડ-19 મુદ્દે રાજ્ય સરકાર સામેની થયેલી સુઓમોટો અરજી અંગે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો-હુકમો કર્યાં છે જેમાં ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવારના ચાર્જ 10 ટકા ઘટાડવા આદેશ કર્યો છે.  હાઈકોર્ટે નોંધ્યું હતું કે, મહામારીમાં લોકોની મદદે આવવું સરકારની સાથે ખાનગી હોસ્પિટલોની એટલી જ ફરજ છે. જસ્ટીસ જે.બી.પારડીવાલાએ ખાનગી હોસ્પિટલે કરેલી અરજીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ખાનગી હોસ્પિટલના વકીલને ટકોર કરતા જણાવ્યું હતું કે, જો ખાનગી હોસ્પિટલો કોવીડ-19ના દર્દીઓ પાસેથી અતિશય નાણા વસૂલ કરતી હોય અથવા એમઓયુનું ઉલ્લંઘન કરતી જોવા મળે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલોએ અંત સુધી સમજૂતિના મેમોરેન્ડમમાં સૂચવેલી શરતોનું પાલન કરવું પડશે. જો કે, ખાનગી હોસ્પિટલના વકીલે કોર્ટમાં એવું જણાવ્યું હતું કે, સરકારે નક્કી કરેલા દરોમાં 10 ટકા સુધીનો ઘટાડો કરીશું.
ટેસ્ટિંગની નીતિમાં કોઈ ફેરફાર નહીં કરીએ : ગુજરાત સરકાર
રાજ્યમાં કોરોનાના દર્દીઓનું ટેસ્ટીંગ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવતું હોવાનું અને તે મુદ્દે અમે કોઈ નીતિ નહીં બદલીએ તેવું આજરોજ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું. જસ્ટીસ જે.બી.પારડીવાલા અને આઈ.જે.વોરાની બેચ દ્વારા રાજ્ય સરકારને પુછાયેલા સવાલોમાં સરકારે જણાવ્યું હતું કે, ખાનગી લેબોરેટરીઓને ફક્ત ડોક્ટરોના પ્રિક્રિપ્શન આધારે ટેસ્ટ કરવાની મંજૂરી ન આપવાની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.પરિક્ષણની પરવાનગી સરકાર દ્વારા નિમણૂક કરેલ અધિકારી જ આપી શકે છે. આ ગાઈડલાઈન કેન્દ્ર અને આઈસીએમઆર દ્વારા રજૂ કરવામાં આવી છે. અલબત્ત, ગુજરાતમાં પ્રાઈવેટ લેબોરેટરીમાં ટેસ્ટ ન કરવાની ગાઈડલાઈન માટે ખુલાસો માગવા આઈસીએમઆરને નોટિસ અપાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer