રાજ્યમાં પહેલી વખત એકસાથે 608 દર્દીએ કોરોનાને માત આપી

રાજ્યમાં પહેલી વખત એકસાથે 608 દર્દીએ કોરોનાને માત આપી
નવા 372 કેસ, 20 મૃત્યુ: કુલ 15946 પોઝિટિવ, 6599 એક્ટિવ કેસ
અમદાવાદ,તા. 29 : ગુજરાતમાં હજુય કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી. રોજેરોજ કેસો સાથે મૃત્યુદર પણ ચિંતાજનક હદે વધી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં વધુ 372 કેસો નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ 15946 કેસો નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં કોરોના વધુ 20 દર્દીઓને ભરખી ગયો હતો. જેના કારણે મૃત્યુઆંક વધીને 980 સુધી પહોંચ્યો છે. જો કે આજે રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 608 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. જેને લઇને ડિસ્ચાર્જ  દર્દીઓનો આંક વધીને 8609 થવા પામ્યો છે.
ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસોમાં 73 ટકા કેસો તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આજે પણ અમદાવાદમાં નવા 253 કેસો નોંધાયા છે. આમ અમદાવાદમાં કુલ કેસોનો આંક 11597 થયો છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણા-છોટાઉદેપુરમાં 7-7, કચ્છમાં 4, નવાગામમાં 2, બનાસકાંઠા, રાજકોટ અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત અન્ય રાજ્યનો એક-એક કેસ નોંધાયો હતો. આમ એક જ દિવસમાં 19 જિલ્લામાં મળીને 372 કેસો નોંધાયા હતાં.
રાજ્યનું આરોગ્ય વિભાગ માત્ર સાજા થતાં દર્દીઓની સંખ્યા વિશે જાણકારી આપીને જાણે કોરોનાને કાબૂ કર્યો હોય તેવો ડોળ કરી રહ્યું છે. આજે પણ વધુ 20 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટયા હતાં. જેના કારણે ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક 1000ની નજીક અર્થાત્ 980નો થવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 20 મૃત્યુમાંથી 18 મૃત્યુ અમદાવાદમાં અને બે મૃત્યુ સુરતમાં નોંધાયા છે. આને લઈને અમદાવાદમાં મૃત્યુઆંક 798 થયો છે. સૌથી મહત્વની વાત એ છે કે, રાજ્યમાં આજે 608 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 468 દર્દીઓ સાજા થયા હતા આને લઈને રાજ્યભરમાં કુલ 8609 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં નોંધાયેલા કુલ 15946 પોઝીટીવ કેસમાંથી 68 દર્દીઓ વેન્ટીલેટર પર, 6287 સ્ટેબલ, 8609 ડીસ્ચાર્જ અને 980ના મૃત્યુ નોંધાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer