રાજકોટ-જૂનાગઢમાં આયુર્વેદથી કોરોનાની સારવાર

રાજકોટ-જૂનાગઢમાં આયુર્વેદથી કોરોનાની સારવાર
(ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ, તા. 29 :  કોરોના મહામારીનો ઈલાજ અને આ રોગથી બચવાના ઉપાયો આયુર્વેદમાં છે અને તેના સારા પરિણામો પણ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દરદીની સારવાર આયુર્વેદ પધ્ધતિથી શરૂ કરવામાં આવી છે અને આ માટે ચાર વ્યક્તિઓએ આયુર્વેદ થકી સાજા થવાની પરવાનગી આપી છે.
આ અંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટના અધિક્ષક ડો. જયેશ પરમારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સંશમની વટી, ત્રિકટુ ચુર્ણ, યષ્ટિમધુ ધનવટી, ‘આયુ -64’, દશમુળ કવાથ, પખાવદી કવાથ શબ્દો આજકાલ ઘર ઘર પ્રચલિત થયા છે, આ માત્ર દવા જ નહિ પરંતુ આર્યુવેદની દેશ વિદેશમાં ખ્યાતિ, માન-સન્માન અને તેની મહત્તા સામે આવી છે, તેમ જણાવે છે.
કોરોના સામે રક્ષણ અર્થે કેન્દ્રના આયુષ વિભાગ દ્વારા ઉકાળા અને વિવિધ વટીનું રોજ સેવન કરો અને રોગ પ્રતિકારક શક્તિ વધારોનું મહાઅભિયાન દેશવ્યાપી છેડવામાં આવ્યું છે અને તે અસરકારક છે તેનું ઉદાહરણ આપતા ડો. પરમાર કહે છે કે, રાજકોટમાં જંગલેશ્વરમાં પ્રથમ કેસ આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જંગલેશ્વરમાં કેસ ના વધે તે માટે શું કરી શકાય ? જેના પ્રત્યુત્તરમાં અમે  માત્ર બે દિવસમાં  70 હજાર ઉકાળા અને દવાની કિટનું વિતરણ કર્યું. લોકોને તેની મહત્તા સમજાવી કદાચ એ કામ કરી ગયું અને આ વિસ્તારમાં સંક્રમણ દર ઘટયો તેમ કહી શકાય.
તેમણે કહ્યું કે, સંશમની વટીમાં ગળો, પીપર જેવા ઔષધો હોય છે જે કફને તોડે છે, તાવને મટાડે છે ને જઠરાગ્નિને તેજ કરે છે. જયારે ત્રિકટુ ચૂર્ણ, જેમાં સૂંઠ, મરી અને પીપરના સરખા ભાગ કરીને તેનો 2 ગ્રામ પ્રતિ વ્યક્તિ ઉકાળો બનાવવાથી કે મધ સાથે ચાટવાથી આ ઔષધ કફને તોડે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. જયારે  યષ્ટિમધુ ધનવટી જેને આપડે જેઠીમધ તરીકે ઓળખીયે છીએ તે ગળામાં થયેલી તકલીફ, ઉધરસ, શરદી તથા ચિકાસનો નાશ કરે છે. આ જ રીતે “આયુ 64’ એક પેટન્ટ દવા છે જેમાં કડુ, કરિયાતું, સપ્તપર્ણ, સાગરગોટા જેવા ઔષધો હોઈ છે જે સવાર સાંજ લેવાથી ત્રિદોષક જવરનો નાશ કરે છે અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. દશમુળ કવાથમાં શાલીપર્ણી, પૃષણપર્ણ, બૃહતી, કંટકરી, ગૌક્ષુર, બિલ્વ, શ્યાનેક, પાટલા, ગોભરી, ચરણી સહિત જુદા જુદા દશ ઔષધોના મૂળ એકત્ર કરી ચૂર્ણ બનાવવામાં આવે છે જે વાત, પિત્ત અને કફની વિકૃતિ દૂર કરે છે તેમજ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. જયારે પખાવદી કવાથ હરડે, બહેડા, ગળો, નીમ, ભોનીમ્બ  સહિતના ઔષધો અધકચરા ખાંડી કવાથ બનાવવામાં આવે છે જે તાવ, માથાનો દુ:ખાવો ઓછો કરે અને પાચન શક્તિ વધારે છે.
ઘરે પણ આ ઉકાળો તૈયાર કરી શકાય છે, જે બહુ સરળ છે તેમ કહેતા ડો. પરમાર જણાવે છે કે 10 જેટલા તુલસીના પાન, બે મારીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે ને તુલસીમાં ફીમોલિક કમ્પાઉન્ડ ગ્રુપ હોય છે જે એન્ટી વાયરલ છે. આ ઉપરાંત કાળી દ્રાક્ષ ચુસવી, લીંબડો, ગુગળ કે કપૂરનો ધૂપ કરી હવાનું શુદ્ધિકરણ કરી ઘરમાં રહેલા વિષાણુંઓને દૂર કરી શકાય છે. રાઈ,મીઠા અને અજમાનો નાસ લેવો જોઈએ.  રાજકોટ કોવીડ - 19 સિવિલ હોસ્પિટલ ખાતે રહેલા કોરોનાના દર્દીઓને સહમતી સાથે અમે ઈલાજ કરીએ છીએ અને તેમને જરૂરિયાત મુજબ દવા આપીએ છીએ જેમાં 4 વ્યક્તિઓએ આર્યુવેદિક ઉપચાર થકી સાજા થવા પરવાનગી આપી હોવાનું ડો. પરમાર જણાવે છે.
જૂનાગઢના ડો.સેવકની દવાથી રિપોર્ટ આવશે નેગેટિવ ?
(ફૂલછાબ ન્યૂઝ) જૂનાગઢ, તા.29: વિશ્વભરમાં કોરોનાનો કહેર છવાયો છે. તેની દવા હજુ સુધી શોધાઈ નથી ત્યારે જૂનાગઢના ડો.અક્ષય સેવકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વનસ્પતિજન્ય દવાને કોરોના પોઝિટિવ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મંજુરી અપાતા છેલ્લા ચાર દિવસથી મેડિકલ ટ્રાયલ શરૂ કરાઈ છે.
જૂનાગઢના આયુર્વેદ ડો.સેવકએ સંશોધન કરેલી દવા તથા રીસર્ચ પેપરના આધારે ગુજરાત યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમની દવા કેન્સર જેવા ગંભીર રોગોમાં દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ થઈ છે.
આ દવામાં એન્ટીઓકસીડન્ટ, એન્ટી એઈઝીંગ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ત્રિગુણ છે. આ દવા ડો.સેવકએ 13 વર્ષના અથાગ પરિશ્રમ અને અસંખ્ય પરિક્ષણ બાદ કેન્સર સહિતના ગંભીર રોગોમાં દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ પુરવાર થઈ છે. આ પરિણામોને ધ્યાને લઈ ગુજરાત યુનિ. દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલયમાં કોરોના પોઝિટિવ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી છે અને છેલ્લા ચાર દિવસથી મેડિકલ ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે.
આ અંગે ડો.અક્ષય સેવકએ ‘ફૂલછાબ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલયે મારી દવાની મેડિકલ ટ્રાયલ માટે પોણા બે માસ બાદ મંજૂરી આપવામાં આવી છે અને છેલ્લા ચાર દિ’થી કોરોના પોઝિટિવ દર્દીઓ ઉપર મેડિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, કદાચ દેશમાં ખાનગી પ્રેક્ટીસ કરતા જૂનાગઢ શહેરના ડોકટરની દવાને કોરોના પોઝિટિવ દર્દીઓ ઉપર મેડિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. તેમણે દાવો પણ કર્યો કે, આ દવાથી દર્દીનો સાત દિવસમાં નેગેટીવ રિપોર્ટ આવશે. આ વનસ્પતિજન્ય દવા કદાચ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ‘ગેમ ચેન્જર’ પુરવાર થાય તો નવાઈ નહીં. દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધતા રોગના વિષાણુઓ આપોઆપ દૂર થાય છે ત્યારે ડો.સેવકની દવાનું કામ જ દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું છે. તેથી કોરોનાના દર્દીઓ માટે અકસીર ઈલાજ સાબિત થાય તો નવાઈ નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer