છત્તીસગઢના પહેલા CM અજિત જોગીનું અવસાન

છત્તીસગઢના પહેલા CM અજિત જોગીનું અવસાન
15 દિવસની બીમારી બાદ અંતિમશ્વાસ લીધા : આજે વતન ગૌરેલામાં અંતિમવિધિ
રાયપુર, તા. 29 : છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહેલા અજિત જોગીનું આજે બપોરે લાંબી બીમારી બાદ અવસાન થતાં રાજકીય વર્તુળમાં શોક વ્યાપ્યો હતો. તેઓ 74 વર્ષના હતા. આશરે 15 દિવસ પહેલાં કાર્ડિયાક એરેસ્ટ બાદ તેમને રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને અંતિમ સંસ્કાર આવતીકાલે તેમની જન્મભૂમિ ગૌરેલામાં થશે એમ તેમના પુત્ર અમિત જોગીએ જણાવ્યું હતું. જોગીએ પિતાને અંજલિ આપતાં કહ્યું હતું કે માત્ર મેં જ નહીં, છત્તીસગઢે પણ એક નેતા નહીં બલ્કે એક પિતા ગુમાવ્યા છે. અનેક રાજનેતાઓએ જોગીના નિધન બદલ દુ:ખ દર્શાવીને તેમને અંજલિ આપી હતી.
અલગ છત્તીસગઢ રાજયની રચના બાદ પહેલા મુખ્યમંત્રી બનેલા જોગી પોતાના અંતિમ સમયમાં છત્તીસગઢ જોગી કોંગ્રેસ પક્ષથી જોડાયા હતા. આ પક્ષની રચના તેમણે જ કરી હતી. જોકે આ પહેલાં તેઓ લાંબો સમય કોંગ્રેસથી જોડાયેલા રહ્યા હતા અને રાજ્ય વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને કેન્દ્રીય કેબિનેટના પણ સભ્ય રહ્યા હતા. બિલાસપુરમાં 29 એપ્રિલ 1946માં જન્મેલા અજિત જોગી શરૂઆતથી રાજકારણમાં નહોતા. જોગીએ મિકેનિકલ એન્જિનીયારિંગનો અભ્યાસ કર્યો હતો અને તે પછી ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએએસમાં જોડાયા. આ સમય દરમિયાન તેમણે મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer