ભારતમાં એક દિ’માં વિક્રમી 7466 દર્દી

ભારતમાં એક દિ’માં વિક્રમી 7466 દર્દી
કોરોનાથી મરણાંક 4706, રિકવરી રેટ વધીને 42.85 ટકા
દેશમાં દર પાંચમાંથી બે મોત સાથે મહારાષ્ટ્રમાં ચાર સર્વાધિક પ્રભાવિત રાજ્યોથી વધુ મરણાંક
નવી દિલ્હી, તા. 29 : દેશ-દુનિયાના શ્વાસ અદ્ધર કરી દેનાર કોરોના વાયરસનાં સંક્રમણથી શુક્રવારે વધુ 175 દર્દીએ જીવ ખોતાં ભારતમાં આ ઘાતક વાયરસથી મરણાંક વધીને 4706 પર પહોંચ્યો છે, તો 24 કલાકમાં વિક્રમી 7466 નવા કેસ નોંધાતાં દર્દીઓની સંખ્યા રાતોરાત મોટા ઉછાળા સાથે 1,65,799 પર પહોંચી ગઈ છે.
વિતેલા 24 કલાકમાં સાત હજારથી વધુ એટલે કે, એક દિવસમાં દર્દીઓના સૌથી વધુ આંકડાએ આરોગ્ય તંત્રની ચિંતા વધારી નાખી છે.
બીજી તરફ, આશ્વાસનરૂપ આંકડા પર નજર કરતાં છેલ્લા 24 કલાકમાં વધુ 3414 સહિત દેશમાં કુલ 71106 દર્દી વાયરસમુક્ત થયા હોવાથી રિવકરી રેટ અર્થાત્ દર્દીઓ સાજા થવાનો દર વધીને 42.85 ટકા પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રની હાલત દિવસો દિવસ ચિંતાજનક થતી જઈ રહી છે. આ રાજ્યમાં 1800થી વધુ મોત કોરોનાનાં કારણે થઈ ચૂક્યાં છે.  દેશભરમાં દર પાંચમાંથી બે મોત મહારાષ્ટ્રમાં થયાં છે. 100થી વધુ મોતવાળાં આઠ રાજ્યોની વાત કરીએ, તો મહારાષ્ટ્રમાં આબાદીના અનુપાતમાં સૌથી વધુ મોત થયાં છે.  દેશનાં ચાર સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાં થયેલાં મોતની કુલ સંખ્યા કરતાં પણ મહારાષ્ટ્રમાં મરણાંક વધુ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ રાજ્યના 60 ટકા સંક્રમિતો સાથે કોરોનાનું એપી સેન્ટર બની ગઈ છે.
ગુજરાત, તામિલનાડુ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ ઘાતક વાયરસનું સંક્રમણ દિવસોદિવસ વધતું જઈ રહ્યું છે.
 
લોકડાઉન 4.0ના 12
દિવસમાં 70,000 નવા કેસ
નવી દિલ્હી, તા. 29 : કોરોના સંકટના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કાની મર્યાદા 31મી મેથી પુરી થવાની છે. જો કે લોકડાઉન 4.0ના છેલ્લા 12 દિવસમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. છેલ્લા 12 દિવસમાં કોરોના વાયરસના 70,000 નવા કેસ સામે આવ્યા છે અને અંદાજીત 1700 લોકોએ કોરોનાની ઝપેટમાં આવીને જીવ ગુમાવ્યો છે.
દેશમાં લોકડાઉન 4.0 18મી મેના લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં કુલ દર્દીની સંખ્યા 96169 હતી અને 3029 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા હતા. જ્યારે 36823 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. 12 દિવસ પછી સ્વાસ્થ્ય મંત્રાલયના જારી રિપોર્ટ પ્રમાણે કોરોના દર્દીની સંખ્યા 165799 થઈ હતી. કોરોનાથી સંક્રમિત થઈને 4706 લોકોના મૃત્યુ થયા છે. જો કે રિકવર થનારા દર્દીની સંખ્યા વધી છે તે રાહતના અહેવાલ છે.
 
તારીખ   કેસ        મૃત્યુઆંક
18 મે    5242   157
19 મે    4970   134
20 મે    5611   140
21 મે    5609   132
22 મે    6088   148
23 મે    6654   137
24 મે    6767   147
25 મે    6977   154
26 મે    6535   146
27 મે    6387   170
28 મે    6566   194
29 મે    7466   175

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer