...તો જૂનથી પાંચ રૂા. મોંઘાં થશે પેટ્રોલ-ડીઝલ

...તો જૂનથી પાંચ રૂા. મોંઘાં થશે પેટ્રોલ-ડીઝલ
લોકડાઉનમાં ગયેલી ખોટને સરભર કરવા તેલકંપનીઓ લઈ શકે નિર્ણય : બે સપ્તાહ સુધી સતત ભાવવધારાની તૈયારી
નવી દિલ્હી, તા.29 : મોંઘવારીથી પીડાતા લોકો પર વધુ એક પ્રહાર રૂપે જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો વધારો ઝીંકાશે. લોકડાઉનમાં ગયેલી ખોટને સરભર કરવા માટે તેલ વિક્રેતા કંપનીઓ જૂન મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. આ ઉપરાંત કંપનીઓ આવતા મહિનાથી કિંમતોમાં રોજિંદા ફેરફાર કરવાની વ્યવસ્થાને ફરી બહાલ કરવાની પણ તૈયારીમાં છે. કંપનીઓનું કહેવું છે કે લોકડાઉનમાં ઓછાં વેચાણ વચ્ચે સરકારોએ પણ ટેક્સ વધારી દીધો હતો જેના કારણે પડતર ખર્ચ અને વેચાણમાં ઘણું અંતર આવી ગયું છે.
સરકારી તેલ કંપની (ઓએમસી)ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે તમામ છૂટ તેલ વિક્રેતાઓએ બેઠક યોજીને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકડાઉન બાદ કિંમતોમાં દૈનિક પરિવર્તનની વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કર્યો હતો. જો લોકડાઉનને પાંચમી વખત પણ વધારવામાં આવશે તો પણ સરકારની મંજૂરી લઈને તેને અમલી બનાવવામાં આવશે. ગયા બે મહિનામાં ઈંધણના ખૂબ ઓછાં વેચાણને કારણે તેલ કંપનીઓને મોટું નુક્સાન થયું હતું. એક સરકારી તેલ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે ગયા મહિનાની તુલનામા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 50 ટકા વધીને 30 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ છે. આ જ સ્થિતિ રહી તો જૂનથી પેટ્રોલ-ડીઝલની વર્તમાન કિંમતો પર ખોટ જવાનું શરૂ થઈ જશે. આ પરિસ્થિતિમાં દૈનિક 40-50 પૈસાની વૃદ્ધિ પ્રતિલિટરે કરવી પડશે.
કંપનીઓનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમાં પડતર અને વેચાણનું અંતર અગાઉથી જ 4-5 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયું છે. આ સ્થિતિમાં વૈશ્વિક કિંમતોને ધ્યાને લેતાં ખોટને સરભર કરવા માટે સતત બે સપ્તાહ સુધી રોજ 40-50 પૈસા પ્રતિલિટર ભાવવધારો કરવો પડશે. જોકે સરકારના સૂત્રો અનુસાર કિંમતોમાં દૈનિક બદલાવની વ્યવસ્થા શરૂ થવા છતાં પણ પેટ્રોલ-ડીઝલના મૂલ્યને એક સીમાથી વધુ વધારવાની અનુમતિ આપી શકાય નહીં. તેથી તેલકંપનીઓ પેટ્રોલિયમ ઉત્પાદનો પર રોજના 20-40 પૈસા અથવા તેનાથી ઓછાનો વધારો કરી શકશે. આ વધારો પણ ત્યાં સુધી જારી રખાશે જ્યાં સુધી કંપનીઓ પડતર ખર્ચ અને વેચાણના અંતરને સમાપ્ત કરવા સક્ષમ બની જાય નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer