પાન, બીડી, તમાકુના કાળા બજાર રોકવા સરકારી તંત્રો વામણાં સાબિત ?

જથ્થાબંધ વેપારીઓએ શરૂ કરેલાં કાળાબજાર છૂટક વેપારીઓ માટે પરેશાની સમાન: બીડી, તમાકુના ભાવ અંકુશમાં લેવા માગ: ગારીયાધારમાં તો કાળાબજારનો વીડિયો વાયરલ છતાં તંત્ર નિંદ્રામાં?
રાજકોટ, તા.29: (ફૂલછાબ ન્યુઝ) લોકડાઉન દરમિયાન પાન, બીડીના ગલ્લાં, દુકાનો ખોલવાની મંજુરી મળતાં વ્યસનીઓ ગેલમાં આવી ગયા હતાં. પણ આવા વ્યવસાય સાથે સંકળાયેલા જથ્થાબંધ વિક્રેતાઓએ વ્યસનીઓની મજબૂરીનો જાણે સાચે જ લાભ ઉઠાવ્યો હોય તેમ ધૂમ કાળાબજાર કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ઉઠેલી આવી ફરિયાદો પરત્વે હવે સરકારી તંત્રોએ ત્રીજુ નેત્ર ખોલવાની જરૂર હોવાનું શાણા લોકો કહે છે.
ઉપલેટા: ઉપલેટામાં પાન, બીડી, તમાકુના એકાદ બે જથ્થાબંધ વેપારીઓને બાદ કરતાં બીજા કોઈ દુકાનો ખોલતા નથી. ઘરેથી બેફામ કાળાબજારની ફરીયાદો ઉઠી રહી છે. સ્થાનિક પત્રકાર સંધે આ બાબતે ઝુંબેશ શરૂ કરી હોવા છતાં સરકારી તંત્રો પર બેઅસર છે. કલેકટર અને એસપીએ આવા વેપારીઓને ઝેર કરવાં જોઈએ તેવી માગ થઈ રહી છે.
ભાયાવદર: ઉપલેટાના ભાયાવદરમાં પણ જથ્થાબંધ વેપારીઓએ તમાકુ, બીડીના ધુમ કાળાબજારમાં વેપાર શરૂ કર્યા છે. પ્રજાની આવી ફરીયાદ પરત્વે સરકારી તંત્રોએ જાગવાની જરૂર હોવાનું જાગૃત માણસો કહે છે.
અમરેલી: અમરેલીમાં અમુક જથ્થાબંધ વેપારીઓ દુકાનો ખોલતાં ન હોવાથી છૂટક વેપારીઓ હેરાન થઈ રહયાં છે. અમુક જથ્થાબંધ વિક્રેતાઓતો નાના વેપારીઓને તમાકુ સાથે સોપારી પરાણે ધાબડે છે. જથ્થાબંધ દુકાનદારો પોતાની દુકાનો પર ભાવપત્રક મૂકતા થાય તેવી વ્યવસ્થા કલેકટર દ્વારા ગોઠવાય તેવી પ્રજાની માગ છે.
જૂનાગઢ: પાન, મસાલા અને સીગારેટના વધુ  પડાવાતા ભાવની ફરીયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઉદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ બે દિવસમાં જૂનાગઢમાં તપાસ કરાતાં પેકેઝડ કોમોડિટીઝ નિયમનો ભંગ કરતાં 7 વેપારીઓ સામે રૂ. 14 હજાર જેવી ફી વસુલાઈ છે.
માણાવદર: માણાવદરમાં જથ્થાબંધ દુકાનોના વિક્રેતાઓ પાન, બીડી, તમાકુના ખાનગીમાં ધમધોકાર કાળાબજાર કરતાં હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. સરકારી તંત્રોએ આવા કાળાબજારીયા વેપારીઓને પાસા તળે જેલમાં ઘકેલવા માગ થઈ છે.
ગારીયાધાર: ગારીયાધારમાં તમાકુ, બીડીના કાળાબજાર થતાં હોવાની વાતનો વિડીયો સોસિયલ મિડિયામાં વાયરલ થયો છે. સરકારી તંત્રોએ આવા વિડિયોના આધારે કસુરવાર વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરીને ઘડો બેસાડવો જોઈએ તેવું શાણી પ્રજાનું કહેવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer