પાલીતાણાની યુવતીના આપઘાત અંગે આચાર્ય સામે ગુનો નોંધાયો

પોણા બે માસ પહેલા યુવતીએ અગનપછેડી ઓઢી આત્મહત્યા કરી’તી: આચાર્ય અશ્લીલ માગણી કરી ત્રાસ આપતો’તો
પાલીતાણા, તા. 29: અહીંની એક યુવતીને અગનપછેડી ઓઢીને આત્મહત્યા કરી લેવી પડે તેવા સંજોગો ઉભા કરવાના આરોપસર તળેટી રોડ પર આવેલી ચ.મો. વિદ્યાલયના આચાર્ય ઘનશ્યામસિંહ રાઠોડ સામે ફરિયાદ થઇ છે.
આ અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, અંદાજે બે માસ પહેલા તા. 1-4ના રોજ તેની પુત્રીએ વહેલી સવારે બાથરૂમમાં જઇને શરીર પર પેટ્રોલ છાંટીને સળગી જઇને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતાં પહેલા તેની પુત્રીએ સ્યુસાઇડ નોટ લખી હતી. આ સ્યુસાઇડ નોટ તેને મળી હતી.  ચ.મો. વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતો  ઘનશ્યામસિંહ રાઠોડ તેની પુત્રી પાસે વારંવાર બિભત્સ માગણી કરતો હતો. ફોન કરીને નિ:વત્ર ફોટાની માગણી કરતો હતો. આ રીતે પુત્રીને સતત માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી ગળે આવી જઇને તેની પુત્રીએ સળગી જઇને આત્મહત્યા કરી હતી. પોલીસે ગુનો નોંધીને આચાર્ય ઘનશ્યામસિંહ રાઠોડને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ અંગે ચ.મો. વિદ્યાલયના સ્થાનિક ટ્રસ્ટી શાંતિભાઇ મહેતાનો સંપર્ક સાધતા તેણે એવું જણાવ્યું હતું કે, તેની પાસે બનાવની કોઇ હકિકત નથી, ફરિયાદની નકલ મળ્યા બાદ તેનો અભ્યાસ કરીને મુંબઇ હેડ ઓફિસને જાણ કરશે, ત્યાંથી જે કોઇ આદેશ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer