દુકાનો બાર કલાક ચાલુ રાખવા છુટ આપો: ઓછા સમયથી થતું નુકસાન

રાજકોટના ઉદ્યોગોનો ચોવીસ કલાક ચાલુ રાખવા છૂટ આપો - ચેમ્બરની રજૂઆત

રાજકોટ.તા.23 (ફૂલછાબ ન્યૂઝ)લોકડાઉન-4માં દુકાનો ખોલવાની છૂટછાટ સરકારે આપી છે પરંતુ સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ધંધો થઇ શકતો હોવાથી વેપારીઓ અકળાયા છે. કામના કલાકો ઘટી જવાથી નુક્સાન થઇ રહ્યું છે ત્યારે હવે દુકાનો સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી ખૂલ્લી રાખવી જોઇએ તેવી રજૂઆત રાજકોટ ચેમ્બર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.

ચેમ્બરે જણાવ્યું છે કે, લોકડાઉનના સમય દરમિયાન લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સવારે છથી આઠ વાગ્યા સુધી મોર્નીંગ વોકની પણ છૂટ આપવી જરુરી છે. મંદિરો બંધ હોવાને લીધે ફૂલના હાર અને પળાની માગ સાવ ઓછી છે ત્યારે સવારે છથી આઠ સુધી હોમ ડિલિવરી માટે છૂટ મળવી જોઇએ.

હોમ ડિલિવરીમાં હોટેલો ફૂડ આપે તેને છૂટ છે પણ તેનો સમય દુકાનોની જેમ છે એટલે ઉદ્યોગ ચાલી શકતો નથી. રાત્રિનું ભોજન હોટેલમાંથી મંગાવવું હોય તો તે શક્ય બનતું નથી પરિણામે આવા પાર્સલો સવારે આઠથી રાત્રિના દસ વાગ્યા સુધી પહોંચાડવાની છૂટ આપવામાં આવે તે આવશ્યક છે.

ઔદ્યોગિક એકમો સવારે આઠથી સાંજે વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાય છે પણ મોટાં યુનિટો રાજકોટમાં હોય અને પૂરતા મજૂરો પણ હોય તેમને મુશ્કેલી પડી રહી છે. આવા એકમોને 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવી જરુરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer