ફીની ઉઘરાણીનો વિરોધ કરી મોદી સ્કૂલને ઘેરાવ

ફીની ઉઘરાણીનો વિરોધ કરી મોદી સ્કૂલને ઘેરાવ

 

શહેર કોંગ્રેસે હલ્લાબોલ કરતા ત્રણની અટકાયત કરાઈ

રાજકોટ, તા. 3: રાજકોટ શહેરમાં આવેલી મોદી સ્કૂલ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું જણાવી તેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ સ્કૂલને ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેમાં  ત્રણ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરાયા બાદ સાંજે છૂટકારો થયો હતો.

એકધારા બે મહિના જેટલા સમય માટે લોકડાઉનને કારણે ધંધા-રોજગાર બંધ હતા. જેને કારણે અનેક મધ્યમવર્ગીય પરિવારો આર્થિક તંગી અનુભવી રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યભરની સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળને ત્રણ મહિના સુધી ફી નહીં લેવા રજૂઆત કરી હતી. જેને ગ્રાહ્ય રખાઈ હતી. આમ છતાં મોદી સ્કૂલ દ્વારા વાલીઓને વોટ્સએપ, મેઈલ, એસએમએસ અને ટેલીફોન કરી ફી ઉઘરાવવામાં આવતી હોવાનું કોંગ્રેસી આગેવાન રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે નવું સત્ર ક્યારથી ખુલશે તે સત્તાવાર નક્કી થયું નથી. ત્યારે નવા સત્રની ફી વેકેશનના સમયમાં કઈ રીતે ઉઘરાવી શકાય ? વળી મુખ્યમંત્રીએ કરેલી રજૂઆતનો પણ ઉલાળિયો કરાતો હોય તો સામાન્ય માણસનુ શું આવે ? મુદ્દે આજે પારિજાત બિલ્ડીંગમાં ઘેરાવ કરાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે ફક્ત મોદી સ્કૂલ નહીં, અન્ય કેટલીક ખાનગી શાળાઓ પણ ફી ઉઘરાવી રહી છે. જો કે શાળા સંચાલક રશ્મીકાંત મોદી હાજર હતા અને પોલીસ અગાઉથી આવી ગઈ હોઈ, તેમણે ઘેરાવ કરવા આવેલા કોંગી આગેવાનો રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ અને રવિભાઈ જીતીયાની અટકાયત કરી હતી.

8મી મે પછી ફીની ઉઘરાણી નથી કરાઈ

મામલે મોદી સ્કૂલના પ્રિન્સિપાલ વિમલભાઈ કગથરાએ કહ્યું હતું કે મોદી સ્કૂલ ગ્રૃપને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. ફીની ઉઘરાણી અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમારે ત્યાં તપાસ પણ કરી ગયા છે. અગાઉ ગત વર્ષની જૂની ફી બાકી હતી તે ઉઘરાવી હતી. 8મી મે પછી અમે ક્યાંય પણ કોઈ પણ રીતે વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer