અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 10001

અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 10001
રાજ્યમાં વધુ 396 કેસ, 27 મૃત્યુ : કુલ કેસ 13,669 : કુલ મૃત્યુઆંક 669
 
અમદાવાદ,તા.23 : સબ સલામતીની ગુલબાંગો પોકારતી રાજ્ય સરકાર રાજ્યમાં કોરોના વાયરસને નાથવામાં નિષ્ફળ નિવડી છે. સેન્ટ્રલ આઈ.બી.ના ઇનપુટ હોવા છતાં પણ રાજ્યભરમાંથી લોકડાઉન-4 મહંદઅંશે ઉઠાવી લીધું છે. સેન્ટ્રલ આઈબીના ઇનપુટ મુજબ લોકડાઉન-4 26મી મે સુધી છુટછાટ આપવાનું ના પાડવામાં આવી હતી. તેના કારણે ગામડાઓમાં કોરોનાના બેકાબૂ થતો જાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 396 કોરોના પોઝિટિવના કેસ નોંધાવા પામ્યા છે. જેને લઇને રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવકેસનો આંક 14 હજારની નજીક અર્થાત 13,669 થવા પામ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 27 કોરોના દર્દીઓના મૃત્યુ થવા પામ્યા હતાં. તેને લઇને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 829 થયો છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 289 કોરોના દર્દીઓએ કોરોનાને મહાત આપતા તેમને ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા હતા જેને લઇને રાજ્યમાં કુલ ડિસ્ચાર્જ કોરોના દર્દીની સંખ્યા 6169 થવા પામી છે.
આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા જાહેર કરાયેલા બુલેટીન મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવીડ-19માં 396 કોરોના પોઝિટીવ દર્દી નોંધાવા પામ્યા છે. જેમાં સૌથી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ 277 અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, ગીર સોમનાથમાં 6, અરવલ્લીમાં 5, રાજકોટ અને મહેસાણામાં ચાર-ચાર, તાપીમાં 3, આણંદમાં 3, મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં બે-બે કેસ નોંધાવા પામ્યા હતાં. જ્યારે નવસારી, પોરબંદર અને અમરેલીમાં એક-એકકેસ નોંધાવા પામ્યા હતાં. આમ આજે રાજ્યનાં 19 જિલ્લામાં કોરોના પોઝિટીવનાં કેસ નોંધાવા પામ્યા છે.
બીજી બાજુ રાજ્યમાં મૃત્યુનો સિલસિલો યથાવત  રહેવા પામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાંકોરોના દર્દીઓના 27 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેમાં 10 કોવિડ-19ને લઇને જ્યારે અન્ય 17 મૃત્યુ કોવિડ-19 અને અન્ય બિમારીને લઇને થવા પામી છે. આજે નોંધાયેલા 27 મૃત્યુમાંથી 24 મૃત્યુ તો અમદાવાદમાં જ નોંધાયા છે.આમ અમદાવાદમાં કોરોના પોઝીટીવ દર્દીના મૃત્યુ રફતાર યથાવત રહેવા પામી છે. જ્યારે અન્ય 3 મૃત્યુ સુરત ખાતે નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુ આંક 829 પર પહોંચ્યો છે. જેમાં ખાલી અમદાવાદનો જ મૃત્યુઆંક 669 છે. સુરતમાં આજે વધુ 3 મૃત્યુ નોંધાતા સુરતનો મૃત્યુઆંક 60 થયો છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ 13,669 પોઝિટિવ દર્દીમાંથી 6169 ડીસ્ચાર્જ  થઇ ચૂક્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer