ઓગસ્ટ પહેલા વિદેશ સાથે વિમાની સેવા શરૂ થશે

ઓગસ્ટ પહેલા વિદેશ સાથે વિમાની સેવા શરૂ થશે
બધું યોગ્ય જણાશે તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવાનો પુરીનો સંકેત : ક્વોરન્ટાઈન સામે સવાલ

નવી દિલ્હી,તા. 23 : ઓગસ્ટ માસ પહેલા ભારત આંતરરાષ્ટ્રિય વિમાની સેવા ઠીક ઠીક પ્રમાણમાં શરૂ કરશે એમ કેન્દ્રિય પ્રધાન હરદીપસિંઘ પુરીએ આજે જણાવ્યું  હતું. તેમણે એ સ્વીકાર્યું હતું કે કોરોના વાયરસના સંકટ વચ્ચે કેટલાક રાજ્યોએ સોમવારથી શરૂ થનાર દેશની આંતરિક ઉતારૂ વિમાની સેવાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. કેટલાક રાજ્યોએ આ અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે અને ભારત સરકાર તેમની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે.એક ઓનલાઈન સત્રમાં બોલતા  હરદીપસિંઘ પુરીએ એ સ્પષ્ટ કર્યું હતું કે વિમાની ઉતારૂઓ માટે આરોગ્ય સેતુ એપ હોવો ફરજીયાત નથી. તેમણે માત્ર સેલ્ફ ડીકલેરેશન -સ્વ જાહેરાત જ કરવાની રહેશે. આંતરરાષ્ટ્રિય ઉતારૂ વિમાન સેવાના પ્રારંભ અંગે તેમણે જણાવ્યું હતું કે આ અંગે પૂછપરછ આવે છે કે તે ઓગસ્ટમાં શરૂ થશે કે સપ્ટેમ્બરમાં? મારો જવાબ એ છે કે પરિસ્થિતિને આધારે આ સેવા આની પહેલા કેમ શરૂ ન કરી શકાય ? દરમ્યાન વિસ્તારા એરલાઈન્સે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રિય વિમાની સેવા અંગે અમે મુલકી ઉડ્ડયન ખાતાની સુચનાઓ અને દિશાનિર્દેશની રાહ જોઇ રહ્યા છીએ.રેલવેની બધી ટિકિટબારી ખુલી જશે

નવી દિલ્હી, તા. 23 : લોકડાઉનનાં ચોથાં ચરણ દરમ્યાન શનિવારે રેલવે તંત્ર દ્વારા યાત્રીઓને રાહતરૂપ ઘોષણા કરાઈ હતી. પહેલી જૂનથી દોડનારી ખાસ ટ્રેનોના ટિકિટ બૂકિંગ માટે ધીમેધીમે તમામ ટિકિટબારી ખોલવાની કવાયત આદરતાં રેલવેએ એક હજાર ટિકિટબારી ખોલી નાખી છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે ખાસ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, યાત્રાના સાત દિવસના સ્થાને હવેથી ખાસ ટ્રેનોમાં યાત્રાના 30 દિવસ પહેલાં સુધી રિઝર્વેશન કરાવી શકાશે. અન્ય એક મહત્ત્વની માહિતી આપતાં યાદવે કહ્યું હતું કે, આઈઆરસીટીસી, એજન્ટ, પોસ્ટ ઓફિસ, કોમન સર્વિસ સેન્ટર્સ વગેરેને પણ ટિકિટ બૂકિંગ કરી આપવાની છૂટ આપી દેવાઈ છે. તેમણે રિઝર્વેશન અગેઈન્સ્ટ કેન્સલેશન (આરએસી)વાળા યાત્રીઓ માટે મોટાં આશ્વાસનમાં જણાવ્યું હતું કે, આરએસી ટિકિટ કન્ફર્મ થવાની હવેથી પૂરેપૂરી સંભાવના હશે. જો કે રેલવે બોર્ડના અધ્યક્ષે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, અમે માત્ર કન્ફર્મ ટિકિટ પર જ યાત્રાની છૂટ આપી છે. રસ્તામાંથી ચડવાની કોઈ પણ યાત્રીને અનુમતી નથી. વધુ ટિકિટભાડાં અંગે પૂછાતાં આવી આશંકાને ખોટી ગણાવી યાદવે કહ્યું હતું કે, એક પણ પૈસો વધુ નથી લેવાતો. અત્યાર સુધી 35 લાખ પ્રવાસી શ્રમિક એકથી બીજા રાજ્યમાં પહોંચ્યા છે. 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી ચૂકી છે. 10 દિવસમાં 36 લાખ લોકોને યાત્રા કરાવશું, તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer