ભારતમાં કોરોનાના કુલ કેસ 1.30 લાખને પાર

ભારતમાં કોરોનાના કુલ કેસ 1.30 લાખને પાર
લોકડાઉનમાં હળવાશ વચ્ચે કોરોનાના નવા કેસમાં ચિંતાજનક વધારો
નવી દિલ્હી, તા. 23 : દેશભરમાં કોરોના વાયરસના ગઈકાલે રાત સુધીમાં વિક્રમી 6654 કેસો સામે આવ્યા બાદ આજે આ લખાય છે ત્યાં સુધીમાં વધુ 1514 કેસ નોંધાયા છે અને વધુ 28 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ભારતમાં ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 1,30,859 થઈ ગઈ છે. જેમાંથી 72,812 સક્રિય કેસો છે. 54,179 લોકો ઠીક થઈ ગયા છે અને 3860 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોનાના નવા કેસોની સંખ્યા વધતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતના સાત રાજ્યોમાં લોકડાઉનમાં છૂટ ન આપવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, ચંદીગઢ, તામિલનાડુ અને બિહારમાં છેલ્લા બે અઠવાડિયાંથી જે રીતે કેસો વધે છે એ પછી અહીં લોકડાઉન પ્રતિબંધ જારી રાખવા જોઈએ. દરમ્યાન, બીએસએફમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમી 28 નવા કેસો સામે આવ્યા છે. જેની સારવાર કોવિડ હેલ્થ કેર સેન્ટરમાં ચાલી રહી છે. હાલમાં 120 સક્રિય મામલા છે.
દરમ્યાન, આજે આસામમાં કોરોનાના 53 નવા મામલા સામે આવ્યા હતા. તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 591 નવા કેસ આવ્યા છે. કર્ણાટકમાં 196 કેસ સાથે ચેપગ્રસ્તોની સંખ્યા 1939 થઈ ગઈ છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 47 નવા કેસ સામે સંખ્યા 2561 થઈ છે. જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 41.39 ટકા સુધી પહોંચી ગયો છે.  જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 44582 કેસ નોંધાયા છે જ્યારે 1517 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.   મહારાષ્ટ્ર બાદ તામિલનાડુમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તામિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ 14753 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 98 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ ગુજરાતમાં 13268 લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી 802 લોકોના મોત થયાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer