ટીમ ઇન્ડિયાની સૌથી મોટી ચુનૌતિ ઓપનિંગ જોડી રોહિત શર્મા ટેસ્ટનો કાયમી પ્રારંભિક બેટધર બનશે ?


નવી દિલ્હી, તા.23: રોહિત શર્મા પાછલા 7 વર્ષથી ભારતીય ટીમનો મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં સફળતાથી ઓપનિંગ બેટસમેનની ભૂમિકા ભજવી રહ્યો છે. ગત ઓકટોબરથી તે હવે ટેસ્ટ ફોર્મેટમાં પણ ઓપનર બન્યો છે અને તેમાં પણ સફળ રહ્યો છે. તેની અસલી પરીક્ષા વિદેશી પિચો પર થવાની હતી, પણ ન્યુઝીલેન્ડ પ્રવાસ પૂર્વે તે ઇજાગ્રસ્ત થયો. આથી ભારતને એ શ્રેણીમાં બે નવા ખેલાડી સાથે દાવનો પ્રારંભ કરવો પડયો હતો. હવે ભારતીય ટીમ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ચાર ટેસ્ટની શ્રેણી રમવાની છે. તેમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલ દાવનો પ્રારંભ કરશે તે નિશ્ચિત માનવામાં આવશે. યુવા પૃથ્વી શો પણ રેસમાં છે. કેએલ રાહુલ સતત સારા દેખાવને લીધે ટેસ્ટમાં ઓપનર તરીકે વાપસી કરવા તૈયાર છે.
પાછલા પાંચ વર્ષમાં ભારતે શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, પાર્થિવ પટેલ, પૃથ્વી શો, ગૌતમ ગંભીર, હનુમા વિહારી, અભિનવ મુકુંદ ઉપરાંત ત્રીજા નંબર પરના ફીકસ બેટધર ચેતેશ્વર પુજારાને દાવનો પ્રારંભ કરવા મોકલ્યા છે. આ દરમિયાન ભારતે કુલ 1પ જોડી અજમાવી છે. રાહુલે સૌથી વધુ 32 ટેસ્ટ મેચમાં ઓપનિંગ કર્યું છે. જયારે વિજયે 29 અને ધવને 21 તથા અગ્રવાલે 11 મેચમાં આ જવાબદારી સંભાળી છે.  રોહિતે ગયા વર્ષે આફ્રિકા સામે વિશાખાપટ્ટન ખાતે બન્ને દાવમાં સદી ફટકારી નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી રાંચીમાં 212 રનની ઇનિંગ રમી હતી.જો કે બંગલાદેશ સામેના બન્ને ટેસ્ટમાં તેના બેટમાંથી રન નીકળ્યા ન હતા.
પાછલા પાંચ વર્ષમાં અન્ય દેશની વાત કરીએ તો ઇંગ્લેન્ડે 17 જોડી અજમાવી છે. શ્રીલંકાએ 12, દ. આફ્રિકાએ 10, ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાને નવ-નવ ઓપનિંગ જોડી અજમાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer