BWFએ જારી કર્યું નવું કેલેન્ડર : ભારતીય ખેલાડીઓ નિરાશ

BWFએ જારી કર્યું નવું કેલેન્ડર : ભારતીય ખેલાડીઓ નિરાશ
પાંચ મહિનામાં 22 ટૂર્નામેન્ટના આયોજનનો વિરોધ : ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાની ભીતિ વ્યક્ત કરી
નવી દિલ્હી, તા. 23 : ઓલિમ્પિક પદક વિજેતા સાઈના નેહવાલ સહિત ભારતના ઘણા ખેલાડીઓએ બીડબલ્યુએફ (વિશ્વ બેડમિન્ટન  સંઘ)ના સંશોધિત કેલેન્ડરમાં પાંચ મહિનામાં 22 ટૂર્નામેન્ટ યોજવાના નિર્ણયને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો હતો અને તેનાથી ખેલાડીઓમા ઈજાનું પ્રમાણ વધવાની આશંકા વ્યક્ત કરી હતી. કોવિડ-19 મહામારીના કારણે બેડમિન્ટનની ઘણી ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી. જેના પરિણામે બીડબલ્યુએફએ નવું કેલેન્ડર જારી કર્યું છે.
બેડમિન્ટન ખેલાડી પરુપલ્લી કશ્યપના કહેવા પ્રમાણે કોઈપણ ખેલાડી માટે પાંચ મહિનામા 22  પ્રતિયોગિતામાં રમવું ખુબ જ મુશ્કેલ છે. હજી પણ શંકા યથાવત છે કે નિયમો કઈ પ્રકારના હશે. આંતરરાષ્ટ્રીય યાત્રા ઉપર પણ અત્યારે પ્રતિબંધ છે. તેવામાં બીડબલ્યુએફએ કેલેન્ડર કેવી રીતે તૈયાર કર્યું તે સમજની બહાર છે. તમામ ખેલાડી રમત શરૂ થાય તેવું ઈચ્છે છે પણ હજી ઘણા એવા સવાલ છે જેના જવાબ મળ્યા નથી. અભ્યાસ પણ શરૂ થયો નથી.
સાઈના નેહવાલે પણ ટ્વીટર મારફતે શંકા વ્યક્ત કરી હતી. સાઈનાએ કહ્યું હતું કે, ઓગષ્ટથી ડિસેમ્બર સુધી પાંચ મહિનામાં 22 ટૂર્નામેન્ટ. સતત પાંચ મહિનાની યાત્રા. સૌથી મોટો સવાલ એ છે કે કોરોના વાયરસ મહામારી સમયે આતંરરાષ્ટ્રીય યાત્રા માટે દિશાનિર્દેશો કેવા રહેશે. સાઈના નેહવાલે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, અન્ય કોઈપણ ખેલના કેલેન્ડર બન્યા નથી. તેવામાં બીડબલ્યુએફએ કેવી રીતે આયોજન ઘડયું. ઓક્ટોબર મહિના માટે ટેનિસની એક પણ પ્રતિયોગિતાની ઘોષણા થઈ નથી. ટોક્યો ઓલિમ્પિક માટે ટિકિટ મેળવવાની નજીક પહોંચેલા બી સાઈ પ્રણીતે કહ્યું હતું કે, ખેલાડીઓ પાસે પાંચ મહિનામા 22 ટૂર્નામેન્ટમાં રમવાની આશા મુર્ખાઈ સમાન છે. બીડબલ્યુએફ ખેલાડીઓ અંગે વિચારી રહ્યું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer