રાજસ્થાનથી 42 મજૂરો રાજકોટ યાર્ડમાં પરત ફર્યા

રાજસ્થાનથી 42 મજૂરો રાજકોટ યાર્ડમાં પરત ફર્યા

 

વિવિધ જણસીની હરાજી શરૂ કરાતાં બેડી યાર્ડ ધમધમવાં લાગ્યું

રાજકોટ, તા.22(ફૂલછાબ ન્યુઝ) લોકડાઉનને  લીધે રાજકોટ યાર્ડમાંથી રાજસ્થાન ચાલ્યા ગયેલા મજુરે હવે પરત રાજકોટ આવવા માંગતા હોવાથી યાર્ડ સુત્રોએ આરંભેલી કાર્યવાહી દરમિયાન 42 મજુરો રાજકોટ યાર્ડમાં પરત આવી ગયા છે. લોકડાઉનથી સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડો પણ સદંતર બંધ રાખવાં પડયા હતાં. કારણે થોડા દિવસ રોજીરોટી વગર ટળવળેલા યાર્ડના પરપ્રાંતિય મજુરોએ વતન જવાની જીદ પકડતાં મોટા ભાગના માર્કેટ યાર્ડો ખાલી થવા લાગ્યા હતાં. આવા સમયે સરકારે પણ શ્રમિકોને વતન જવાની છૂટછાટ આપતાં રાજકોટમાંથી આશરે 1000-1500 જેટલા મજૂરો પોતાના વતન રાજસ્થાન ચાલ્યા ગયા છે.

બીજીબાજુ કોરોનાની સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાના પાલન વચ્ચે માર્કેટ યાર્ડો શરૂ કરવાં સરકારે આદેશો કરતાં સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડોમાં એકાદ બે જણસીના હરાજી કામો શરૂ કરાયા હતાં. પણ યાર્ડોમાં મજૂરોનો અભાવ હોવાથી વેપારીઓ, કમિશન એજન્ટો, ખેડૂતો સૌ કોઈ હેરાન થતું હતું. રાજકોટના યાર્ડમાંથી પણ રાજસ્થાન તરફ વતન ચાલ્યા ગયેલા એકાદ હજાર મજૂરોને યાર્ડમાં પરત બોલાવવાની યાર્ડ સુત્રોની કાર્યવાહી દરમિયાન અઠવાડિયામાં 42 મજુરો રાજસ્થાનથી પરત આવ્યા હોવાનું અને તમામનું આરોગ્ય તપાસીને હાલ યાર્ડમાં કવોરન્ટાઈન હેઠળ રખાયાનું  યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, રાજસ્થાનના મજુરો સહિત 400-500 મજુરો યાર્ડમાં મજુરી કરતાં થઈ જતાં હવે ક્રમશ: તમામ જણસીની હરાજી શરૂ કરી દેવાઈ છે. ચારેય જણસીની આવકો ઘઉં, ચણા, મગફળી અને કપાસની નોંધણી પ્રક્રિયા વચ્ચે સવારે 6થી 9 દરમિયાન કરાયા બાદ હરાજી કરાય છે. નિયત સંખ્યામાં ખેડૂતો-વેપારીઓને બોલાવીને સામાજિક અંતરને ધ્યાને રાખીને હરાજી થાય છે. જયારે અન્ય લસણ, ધાણા, જીરૂ, મગ, અડદ  સહિતની તમામ જણસીઓની આવક ચાલુ કરી દીધી છે. બધી જણસીની આવકો રાત્રીના 6થી સવારના 5 વાગ્યા સુધીમાં યાર્ડમાં કરાય છે.

સખિયાએ એવું પણ કહ્યું કે ચોમાસાના પડધમ વાગે છે અને ખેડૂતોને નવા વાવેતર માટે આર્થિક સંકડામણ થાય તે માટે તમામ જણસીઓની હરાજી શરૂ કરાઈ છે. ટૂંકમાં રાજકોટના બેડી યાર્ડને પુન: ધમધમતું કરવા યાર્ડના સુત્રો ભારે જહેમત ઉઠાવતા હોવાનું જોવા મળે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer