મહુવામાં દિયરના હાથે ભાભીની હત્યા

ભાવનગર, તા. 22: ભાવનગર જિલ્લાના મહુવા ગામે દિયરના હાથે ભાભીની હત્યા થયાનો બનાવ બન્યો હતો.28 વર્ષની અફસાના યુસુફભાઇ ઘાંચી નામની યુવતીની પાઇપના ઘા મારીને હત્યા થઇ હતી. મહુવાના ખારા વિસ્તારમાં રહેતી 28 વર્ષની અફસાના યુસુફભાઇ ઘાંચી નામની યુવતીને તેના જ મકાનમાં રહેતાં તેના દિયર ઇલિયાસ અલારખાભાઇ ભાષ સાથે કપડા ધોવા સહિતની બાબતે ઝઘડો થયો હતો. આ તકરારમાં ઉશ્કેરાયેલા દિયરે તેની ભાભી અફસાનાના માથામાં પાઇપના ઘા ઝીંકી દીધા હતાં. માથામાં પાઇપના ઘા ઝીંકાવવાના કારણે ગંભીર રીતે ઘવાયેલી અફસાનાને વધુ સારવાર માટે અહીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દિયર ઇલિયાસને નાહવા જવું હતું. આ સમયે તેના ભાભી અફસાના કપડા ંધોતા હોય તે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તેમાં દિયર ઇલિયાસે પાઇપનો જોરદાર એક ઘા ભાભીના માથામાં મારી દીધો હતો. એ ઘા જીવલેણ નિવડયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer