દ્વારકાના મૂળવાસર ગામે યુવાનની હત્યા

 યુવતી અંગેની અદાવતના કારણે બનેલી ઘટના
દ્વારકા/ ખંભાળિયા , તા. 22: દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે યુવતી અંગેની જૂની અદાવતના કારણે 20 વર્ષના દિનેશભા નાગસીભા સુમણિયા નામના યુવાનની ચાર શખસે છરી, પાઇપ, લાકડીના ઘા મારી હત્યા  કરી હતી.
મૂળવાસર ગામનો દિનેશભા સુમણિયા નામનો યુવાન તેની માસી દેવળબહેન વેજાભા માણેકના ઘેર હતો ત્યારે કરશનભા, અર્જુનભા, વેજાભા અને કાયાભા નામના શખસો છરી, પાઇપ અને લાકડી સાથે ધસી આવ્યા હતાં. દિનેશભાઇ પર હુમલો કર્યો હતો. તેને બચાવવા માટે તેની માસી દેવળબહેન, તેના સાસુ સુંદરબહેન, સસરા લખુભા વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કરાયો હતો. બાદમાં એ શખસો નાસી ગયા હતાં. છરી સહિતના હથિયારના બારથી વધુ ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પીઆઇ  વિશાલ  વાગડિયા સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી અને  મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના માસી દેવળબહેન વેજાભાઇ માણેકની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં  મૃતક દિનેશભા સુમણિયાને બે માસ પહેલા કોઇ યુવતી બાબતે તેના જ ગામના કરશનભા જેસાભા ભઠડ, તેના પુત્ર અર્જુનભા, વેજાભાઇ,  કાયાભા ઘોઘાભા માણેક સાથે ઝઘડો થયો હતો. આ અદાવતના કારણે હત્યા કરાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer