આત્મનિર્ભર યોજનાના ફોર્મ લેવા બેંકોમાં પડાપડી

આત્મનિર્ભર યોજનાના ફોર્મ લેવા બેંકોમાં પડાપડી
બેંકોની બહાર સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરતી લાંબી લાઇનો: ઇન્ટરનેટ પરથી ફોર્મ લેતા મોટાંભાગનાને આવડતું નથી
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.22: આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ફોર્મ લેવા માટે  બીજા દિવસે પણ નાના અને જરુરિયાતમંદ લોકોએ બેંકોની બહાર લાઇનો લગાવી દીધી હતી. સહકારી બેંકોએ ઓનલાઇન ફોર્મ ઉપલબ્ધ બનાવ્યા છે. સરકારી વેબસાઇટો પર પણ ફોર્મ આપેલું છે છતાં લોકો બેંકોએ ઉમટી રહ્યા છે. નાના વર્ગને કોમ્પ્યુટરનું જ્ઞાન હોતું નથી અને સ્ટેશનરીવાળા ઇન્ટરનેટ પરથી કાઢી આપે તેવી વ્યવસ્થા હજુ થઇ નથી એટલે લાઇનોનો સિલસિલો હજુ બે ચાર દિવસ રહે તેવી શક્યતા છે. ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેંક ફેડરેશનના જ્યોતિન્દ્ર મહેતા કહે છે, લોકો ફિઝીકલ ફોર્મ લેવાનો આગ્રહ રાખી રહ્યા છે તે ખોટું છે. લાઇનો લગાવવાથી સરવાળે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થતું નથી. લોકોનો જમાવડો થાય તો મહામારી વધુ ફેલાવાનો ભય છે.
તેમણે કહ્યું કે, હજુ ફોર્મ વિતરણને બીજો દિવસ જ થયો છે. 21 ઓગસ્ટ સુધી અર્થાત બે મહિના કરતા વધારે સમય સુધી સહકારી બેંકો ફોર્મ સ્વીકારીને લોન આપવાની છે ત્યારે લોકોએ બેહદ ઉતાવળ કરવાની કોઇ આવશ્યકતા જ નથી. છતાં હવે લોકડાઉન હળવું થતા ફોર્મ છપાઇને આવી ગયા છે. આજથી બધે ઉપલબ્ધ પણ બનાવવામાં આવ્યા છે. છતાં  લોકો ઉતાવળ કરી રહ્યા છે. મુદ્દત લાંબી છે એટલે પૂરતા પૂરાવા લઇને બેંકે આવે તો ધક્કો પણ નહીં થાય.
લોન સહકારી બેંકો આપવાની છે. સરકાર નથી આપવાની એટલે સામાન્ય લોન લેતી વખતે જે આધાર પૂરાવા આપવા પડે છે તે જ આપવાના રહેશે. જામીન, આધારકાર્ડ, રહેઠાણનો પૂરાવો વગેરે વિગતો જોઇશે જ. તેમાં કોઇ બાંધ છોડ થવાની શક્યતા નથી. લોન માટે કોઇ નાનો વેપારી કે વ્યક્તિ લોન તેનું રિપેમેન્ટ કરી શકે તેમ છેકે નહીં તેની પણ પૂરતી ચકાસણી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, નિયમ પ્રમાણે સરકારી બેન્કો ફક્ત સભ્યને લોન આપી શકે છે. સભ્યપદ માટેની એક શરત એ છે કે રેગ્યુલરના સભ્યપદના 10 ટકાથી વધુ નોમિનલ સભ્ય ન હોઇ શકે. નોમિનલ સભ્યપદ એટલે તમને ફક્ત લોન લેવા પૂરતા સભ્ય બનાવે છે. પરંતુ બેન્કિગના નિયમોની સત્તા રિઝર્વ બેન્કની છે, તે રાજ્ય સરકારનો વિષય છે નહી. પરંતુ આ બાબતે રાજ્ય સરકારે રિઝર્વ બેન્કને આ બાબતે મંજૂરી આપવા લખ્યું છે અને તેનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે.
ગુગલ પર સરળતાથી મળશે યોજનાનું ફોર્મ
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ દરેક સહકારી બેંકોની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. સહકારી બેંકો દ્વારા તેની વેબસાઇટના મુખ્ય પેઇજ પર લિંક ગોઠવી દેવામાં આવી છે. એનાથી સામાન્ય લોકોને સરળતાથી મળી રહેશે. રાજકોટ નાગરિક બેંકની વેબસાઇટ ખોલતા તરત લિંક સ્પષ્ટ દેખાય છે. એ જ રીતે ગૂગલમાં જઇને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના પીડીએફ ટાઇપ કરવાથી ફોર્મ સહેલાઇથી મળી રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer