સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વધુ 15 કોરોના પોઝિટિવ

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વધુ 15 કોરોના પોઝિટિવ
તમામની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈ, સુરત, અમદાવાદની: ગીર સોમનાથમાં ચાર, ભાવનગરમાં બે દરદીએ કોરોનાને માત આપી
રાજકોટ, તા.22 : સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઉત્તર-મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્ર તરફથી આવેલા લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં વધુ પંદર કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મુંબઈથી આવેલા માતા, પુત્ર અને પુત્રી, ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકા અને વેરાવળ શહેરમાં છ, સુરેન્દ્રનગરના બે તાલુકામાં ચાર, રાજકોટના ધોરાજીમાં એક અને મોરબીમાં એક કેસનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના રેડ ઝોન ભાવનગરમાં આજે એક બાળક અને યુવાને કોરોનાને માત આપી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કોરોનાનાં 112 દર્દી પૈકી કુલ 87 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હાલ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
 
ગીર સોમનાથમાં 6, જૂનાગઢના કેશોદમાં 3 કોરોનાગ્રસ્ત
જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 17, ગીર સોમનાથનો 43 થયો
 
જૂનાગઢ : જિલ્લાના કેશોદ શહેરમાં આવેલા એક પોઝીટીવ કેસની વહીવટી કામગીરી પૂર્ણ થઈ હતી ત્યાં બીજા ત્રણ પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું છે. મુંબઈથી તા.18 મે નાં રોજ કેશોદ આવેલા અઠ્ઠાવીસ વ્યક્તિઓમાંથી શહેરના ડીપી રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલા 48 વર્ષીય મહિલા, તેમની 28 વર્ષીય પુત્રી અને 20 વર્ષીય પુત્રનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પરિવારના સંપર્કમાં આવેલા 27 લોકોના સેમ્પલ લઈને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે તેમજ આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી બફર ઝોન જાહેર કરી બહારથી આવવા જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ સાથે કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવના ચાર કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંક 17 થયો છે.
વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં ગઈકાલે અમદાવાદથી આવેલા 24 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે તાલાલા તાલુકાના હડમતીયા ગામે સુરતથી આવેલી 23 વર્ષીય યુવતી પણ કોરોનાગ્રસ્ત જાહેર થઈ હતી. ઉના તાલુકાના વાસોજ ગામે મુંબઈથી આવેલા 40 વર્ષીય પુરુષ અને અંજાર ગામે અમદાવાદથી આવેલા 45 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે મુંબઈથી આવેલા 20 વર્ષીય યુવાન અને જુડાવલી ગામે સુરતથી આવેલા 55 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લાનો કોરોના પોઝિટિવ દરદીનો કુલ આંક 43 થયો છે. જેમાંથી 12 દરદી સાજા થઈ ગયા હોવાથી હાલ 31 દરદી સારવારમાં છે.
 
સુરેન્દ્રનગર જિલ્લામાં સગર્ભા સહિત વધુ ચાર પોઝિટિવ
ચાર દરદીને રજા અપાઈ, જિલ્લાનો કુલ આંક 20 થયો
સુરેન્દ્રનગર, તા.22 : ઝાલાવાડ પંથકમાં અચાનક પોઝિટિવ કેસ વધવા લાગ્યા છે. મૂળી તાલુકામાં બે કેસ અને ત્યારબાદ શહેરમાં બે મહિલા કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. આજે જિલ્લામાં સગર્ભા સહિત વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લાનો પોઝિટિવ આંક 20 થયો છે. જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ દરદીને રજા આપી દેવાઈ હોવાથી 17 દરદી સારવારમાં છે.
મૂળીના નાયાણીપા વિસ્તારમાં રહેતા એક પુરુષ, ટીડાણા ગામે પુરુષ અને દાણાવડા ખાતે રહેતા એક સગર્ભાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લખતર તાલુકાના ઈંગરોળી ગામે પણ એક પોઝિટિવ કેસ આવ્યો હતો. આ તમામ પોઝિટિવ દરદીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ અને મુંબઈની હોવાનું પણ બહાર આવ્યું છે.
 
ધોરાજી, મોરબીમાં વધુ એક-એક કોરોનાગ્રસ્ત
અમદાવાદથી આવેલા પ્રૌઢ, મુંબઈથી આવેલા વૃદ્ધા પોઝિટિવ
વેરાવળ, ધોરાજી, મોરબી, તા.22 : રાજકોટ, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વધુ એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદથી ધોરાજીમાં આવેલા પ્રૌઢ અને મોરબીમાં મુંબઈથી આવેલા વૃદ્ધા કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. આ સાથે રાજકોટ ગ્રામ્યના 10 કેસ મળીને જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંક 86 થયો છે. જ્યારે મોરબી શહેરનો બીજો અને જિલ્લાનો ત્રીજો કેસ નોંધાયો છે.
ધોરાજીના ભરચક વિસ્તાર આંબલી કુવા કંસારા ચોકમાં રહેતો એક પરિવાર ગત તા.6ના રોજ અમદાવાદથી આવ્યો હતો. આ પરિવારને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ સમય પુરો થતા ખાનગી હોસ્પિટલમાંથી રિપોર્ટ કરાવવા જણાવાતા સિવિલમાં નમુના લઈને પરીક્ષણ અર્થે રાજકોટ મોકલાયા હતા. જ્યાંથી મોડી રાત્રીના 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે પ્રૌઢના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન અને તેમના દાદી, પત્ની અને બે પુત્રોને રાજકોટ સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરાયા છે. આ સાથે સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ વિસ્તાર સીલ કરાય તે પહેલા જ અનેક લોકો ઘરને તાળા મારીને નાસી ગયા હોવાનું પણ બહાર આવ્યું છે.
મોરબીના વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી રેવા પાર્કમાં રહેતા 60 વર્ષના વૃદ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વૃધ્ધા ગત તા.18ના રોજ મુંબઈથી મોરબી આવ્યા હતા અને તેને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ વિસ્તારને સેનેટાઈઝ કરીને રહીશોને હોમ ક્વોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી હતી. કોરોના પોઝીટીવ વૃદ્ધા અને તેના પતિ એમ બે વ્યક્તિ જ ઘરે રહેતા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer