વધુ 363 કોરોનાગ્રસ્ત, 392 કોરોનામુક્ત પોઝિટિવ કેસનો આંક 13,000 અને મૃત્યુઆંક 800ને પાર

વધુ 363 કોરોનાગ્રસ્ત, 392 કોરોનામુક્ત પોઝિટિવ કેસનો આંક 13,000 અને મૃત્યુઆંક 800ને પાર
અમદાવાદ, તા.22 :  લોકડાઉન 4ના આજે 6 દિવસ અને લોકડાઉનના કુલ 60 દિવસ વિતવા છતાં પણ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ જ નથી લેતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના 363 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. જેને લઈને રાજ્યમાં કોવિડ-19ના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારને પાર કરી 13273 થવા પામી છે. એ જ રીતે આજે રાજ્યમાં વધુ 29 મૃત્યુ નોંધાતા કુલ મૃતાંક 800ને પાર કરીને 802 થયો છે. બીજી બાજુ આજે 392 કોવિડ-19ના દર્દીઓ કે જેમણે કોરોનાને મહાત આપતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેને લઈને રાજ્યમાં કુલ ડિસ્ચાર્જ કોવિડ-19ના દર્દીનો આંક 5880 પર પહોંચ્યો છે જે 44%નો રેશીયો ધરાવે છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા જાહેર કરાયેલા બુલેટિન મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના કુલ 363 પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જેમાંથી સૌથી વધુ 80% જેટલા કેસો એક માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આજે અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર સોમનાથમાં 4, ગાંધીનગર, ખેડા, કચ્છ અને જૂનાગઢમાં ત્રણ-ત્રણ, આણંદ અને મહેસાણામાં બે-બે રાજકોટ અને વલસાડમાં એક-એક કેસ નોંધાવા પામ્યા છે. આજે રાજ્યમાં 14 જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. અમદાવાદમાં આજે નવા 275 કેસ નોંધાવા સંભવત: આવતીકાલ અમદાવાદમાં કોવિડ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 10 હજારે પહોંચશે. આજના 275 કેસ સાથે અમદાવાદમાં કુલ કોવીડ-19ના દર્દીઓની સંખ્યા 97 થઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 અંતર્ગત કુલ 29 વ્યક્તિના મૃત્યુ થવા પામ્યા છે. જેમાં એકલા અમદાવાદમાં 26 મૃત્યુ નોંધાયા છે. જેને લઈને અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 645નો થયો છે.  જ્યારે બે મૃત્યુ ગાંધીનગર અને એક મૃત્યુ ખેડા ખાતે નોંધાયું છે.
રાજ્યમાં કોવિડ-19ના  પોઝીટીવ દર્દીઓની સંખ્યા 13,273 થઈ છે. તેમાંથી 63 દર્દી વેન્ટીલેટર  પર, 6528 દર્દી સ્ટેબલ 5880 દર્દી ડિસ્ચાર્જ અને 802 દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.
 
દર્દીને પશુની જેમ સારવાર થયાનું લાગવું ન જોઈએ: હાઈકોર્ટ
અમદાવાદ, તા.22: ગુજરાત હાઈકોર્ટમાં કોરોના સંક્રમણ મુદ્દે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં અપાઈ રહેલી સારવાર અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અરજી અંગે હાઈકોર્ટે જણાવ્યું કે, દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઈએ. દર્દીઓને એવું ના લાગવું જોઈએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે. સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા પુરતા પ્રયાસની ખાતરી આપી હતી. નોંધનિય છે કે, અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોકટર્સને પડી રહેલ તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાવાળું ભોજન જેવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સારવાર માટે આવે છે. દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે જાય ત્યારે તેને સંતોષકારક ટ્રીટમેન્ટ મળી હોય તેવું લાગવું જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer