મોદીએ બંને રાજ્યનું હવાઇ નિરીક્ષણ કર્યું
નુકસાન એક લાખ કરોડ, પેકેજ માત્ર એક હજાર કરોડ, મમતાનો ઉકળાટ ઈં વડાપ્રધાને બેનર્જીને વખાણ્યા; ઓરિસ્સાને 500 કરોડનું વળતર
નવીદિલ્હી, તા.22: અમ્ફાન ચક્રવાતે વેરેલા વિનાશનો તાદૃશ ચિતાર મેળવવા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાનાં ચક્રવાત પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને બંગાળ માટે 1 હજાર કરોડ અને ઓરિસ્સા માટે પ00 કરોડની સહાય જાહેર કરી હતી. વડાપ્રધાન મોદી આજે 83 દિવસ બાદ પહેલીવાર રાજધાની દિલ્હીની બહાર નીકળ્યાં હતાં.
મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખર સાથે બેઠક યોજીને સ્થિતિ અને રાહત કાર્યની સમીક્ષા પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ માટે 1 હજાર કરોડ રૂપિયાની તત્કાળ રાહતનું એલાન કરી દીધું હતું. જો કે આ રાહતનાં એલાન સામે મમતા બેનરજીએ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં એક લાખ કરોડનાં નુકસાન સામે માત્ર 1 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. બંગાળનાં હવાઈ નિરીક્ષણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સાની મુલાકાતે પણ ગયા હતાં અને ત્યાં પણ નુકસાનીનું નિરીક્ષણ કર્યુ હતું અને પછી પ00 કરોડ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી.
પશ્ચિમ બંગાળની બરબાદ સ્થિતિની સમીક્ષા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ તોફાનનાં કારણે 80 લોકોનાં જીવ ગયા છે. જે પરિવારોએ પોતાનાં સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના છે અને આ સંકટની ઘડીએ બધા સાથે છે. આ આફતમાંથી જલ્દી બહાર નીકળી શકાય તે માટે રાજ્ય સરકારને ભારત સરકાર તરફથી તત્કાળ 1 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત જે લોકોનાં મૃત્યુ થયા છે તેમનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને પ0 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહતકોષમાંથી આપવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, અમ્ફાન ચક્રવાત સામે પહોંચી વળવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને ભારેખમ પ્રયાસો કર્યા હતાં. આમ છતાં 80 લોકોને બચાવી નથી શકાયા. જેનું આપણને દુ:ખ છે. વડાપ્રધાન મોદીએ આજે મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ ધનખડ સાથે બેઠક પછી બંગાળ માટે રાહતનું એલાન કર્યુ હતું.
જો કે વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય સામે મમતા બેનરજીનો અસંતોષ અછતો રહ્યો ન હતો. રાજ્ય માટે જાહેર થયેલી સહાય વિશે તેમણે કહ્યું હતું કે, અમ્ફાન ચક્રવાતે વેરેલા વિનાશમાં આશરે એકાદ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યનાં સાતથી આઠ જિલ્લામાં ભારે તબાહી મચી છે અને હવે સ્થિતિ સામાન્ય બનતાં ઘણો સમય લાગી જશે.
બંગાળની યાત્રા પછી બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી આજે ઓરિસ્સા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. બંગાળની માફક જ ઓરિસ્સામાં પણ હવાઈ નિરીક્ષણ બાદ વડાપ્રધાને ભુવનેશ્વરમાં મુખ્યમંત્રી નવીન પટનાયક અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ત્યારબાદ ઓરિસ્સામાં પણ પ00 કરોડ રૂપિયાની રાહતની ઘોષણા કરી હતી.
દરમિયાન નેપાળે બંગાળમાં મચેલી તબાહી ઉપર સંવેદના પ્રગટ કરી હતી. તો બંગાલદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ પણ મમતા બેનરજીને ફોન કરીને દુ:ખ પ્રગટ કર્યુ હતું.
અમ્ફાન પીડિત બંગાળ અને ઓરિસ્સાને રૂ. 1500 કરોડ
