પાક.માં ભયાનક વિમાન દુર્ઘટનામાં 97ના મૃત્યુ

પાક.માં ભયાનક વિમાન દુર્ઘટનામાં 97ના મૃત્યુ
લાહોરથી કરાચી જઈ રહેલું પીઆઈએનું વિમાન રહેણાંક વિસ્તારમાં તૂટી પડયું
લેન્ડિંગના એક મિનિટ પહેલા અકસ્માત : બેનો ચમત્કારિક બચાવ
નવી દિલ્હી, તા. 22 : પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)નું એક યાત્રી વિમાન શુક્રવારે જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું અને ઉતરાણની અમુક મિનિટો પહેલા જ તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં 97 લોકોના મૃત્યુની આશંકા છે. જ્યારે એક બેન્ક મેનેજર સહિત બે લોકો બચી ગયા હતા. વિમાન રહેણાંક વિસ્તાર મોડલ કોલોનીમાં તૂટી પડયું હતું. જેના પરિણામે અમુક મકાન અને રસ્તા ઉપર રહેલા વાહનોને ભારે નુકશાન થયું હતું અને અફરાતફરી મચી હતી. ઘટનામાં સાત મકાન પૂરી રીતે ધ્વસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ પાકિસ્તાની સેનાએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. બીજી તરફ પાક. પીએમ ઈમરાન ખાને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.
વિમાન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું અને માલિરમાં મોડલ કોલોની પાસે જીન્ના ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. શરૂઆતી જાણકારી મુજબ વિમાનમાં 99 યાત્રી સવાર હતા. વિમાન ટકરાવાની સાથે જ મોડલ કોલોનીમાં મકાનોમાં આગ લાગી ગઈ હતી. પાકિસ્તાનમાં લોકડાઉનના કારણે સ્થાનિક ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જો કે ગયા અઠવાડિયે શનિવારે જ ફરીથી બહાલ કરવામાં આવી હતી. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટનાની પુષ્ટિ કરી હતી. બચાવ કાર્ય દરમિયાન એક બેન્ક મેનેજર સહિત બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં દુર્ઘટના સ્થળે મોટાપ્રમાણમાં ધૂમાડો નિકળતો જોવા મળે છે. ઘટનાની જાણ થતા જ  એમ્બ્યૂલન્સ અને અધિકારીઓ દોડી આવ્યા હતા. પાકિસ્તાની મીડિયાના દાવા પ્રમાણે લેન્ડિંગના એક મિનિટ પહેલા વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લા અહેવાલ મુજબ પાયલોટે એરપોર્ટ સાથેના છેલ્લા સંપર્કમાં એન્જીન ખરાબ હોવાનું કહ્યું હતું.પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પીઆઈએના સીઈઓ અરશદ મલીકના સંપર્કમાં હોવાનું અને તપાસ શરૂ કરવાની વાત કરી હતી. સાથે સાથે મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer