અર્થવ્યવસ્થાને RBIનો બૂસ્ટર ડોઝ

અર્થવ્યવસ્થાને RBIનો બૂસ્ટર ડોઝ
લોન વધુ સસ્તી કરવાં RBIના સઘન પગલાં
રેપો અને રિવર્સ રેપોરેટ ઘટાડયા ઈં લોનનાં હપ્તામાં ત્રણ માસની મુક્તિ આપતું મોરાટોરિયમ પણ ત્રણ મહિના લંબાવાયું ઈં નાણાકીય વર્ષ 2021માં જીડીપી વૃદ્ધિદર નકારાત્મક રહેશે
નવીદિલ્હી,તા.22: કોરોનાકાળમાં અર્થવ્યવસ્થા માટે કેન્દ્ર સરકારના આર્થિક પેકેજ બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નો વધુ એક બૂસ્ટર  ડોઝ આવ્યો છે. આજે એક અણધાર્યાં પગલાંમાં કેન્દ્રીય બેન્કે તેના બેન્ચમાર્ક વ્યાજદરોમાં વર્ષ 2000 બાદનો સૌથી મોટો ઘટાડો જાહેર કર્યો હતો. લોકડાઉનથી લથડેલા અર્થતંત્રને રફ્તાર આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા ત્રીજીવાર નાણા પ્રવાહિતા વધારવાનાં અને રાહત આપવાનાં પ્રયોસ કરવામાં આવ્યા છે. જેમાં લોકો ઉપરથી લોનનાં હપ્તા (ઈએમઆઈ)નો ભાર હળવો કરવાનાં પ્રયાસો મુખ્ય રહ્યા છે. આરબીઆઈએ આજે રેપોરેટ 0.40 ટકા ઘટાડીને 4 ટકા કરી નાખ્યો છે. તેની સામે રિવર્સ રેપોરેટ પણ એટલો જ ઘટાડીને 3.7પ ટકામાંથી 3.3પ ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોનનાં હપ્તા ભરવામાંથી મુક્તિ આપતી મોરાટોરિયમની વ્યવસ્થા પણ વધુ ત્રણ માસ માટે લંબાવી દેવામાં આવી છે. એટલે કે હવે ઓગસ્ટ સુધી કોઈ લોનધારક હપ્તા નહીં ભરે તો ચાલશે.
આરબીઆઈની નાણાનીતિ સમિતિ (એમપીસી)ની બેઠક જૂનમાં મળવાની હતી પણ તેને વહેલી યોજીને આજે આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસે લોનધારકોને રાહત મળે તેવી ઘોષણાઓ કરી હતી. રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે હવે બેન્કોને અગાઉની તુલનાએ વધુ સસ્તુ કરજ મળશે. જેનો ફાયદો તે ગ્રાહકોને આપશે તેવી અપેક્ષા કેન્દ્રીય બેન્ક દ્વારા રાખવામાં આવી છે. તેની સામે બેન્કો દ્વારા એફડી એટલે કે બાંધી મુદ્દતની થાપણો ઉપર વ્યાજદર ઘટાડવામાં આવી શકે છે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આજે પીએમસીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા પછી સર્વાનુમતે રેપોરેટમાં ઘટાડો કરવાનો નિર્ણય થયો હતો. કોરોના મહામારીનાં સંકટની માઠી અસરો ઘટાડવા અને ફુગાવાને લક્ષ્યાંક સુધી સીમિત રાખવા ઉપરાંત વૃદ્ધિને પુનર્જીવિત કરવાં માટે આ પગલાં લેવામાં આવ્યાં છે.
છેલ્લા બે માસમાં આ સતત બીજો વ્યાજકાપ છે. આ પહેલા 27મી માર્ચે પણ રેપોરેટમાં 0.7પ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને પગલે બેન્કોએ પણ પોતાનાં ધિરાણનાં વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો.
તદુપરાંત કરજદારોને આ સંકટની ઘડીએ રાહત આપવાનાં હેતુથી આરબીઆઈ દ્વારા લોનનાં હપ્તા માટે મોરાટોરિયમ પણ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી ત્રણ માસ માટે લંબાવી દેવામાં આવ્યું છે. એટલે કે લોનધારક ઈચ્છે તો લોનનાં હપ્તા 31 ઓગસ્ટ પછી ભરવાની શરૂઆત કરી શકે છે. આ મોરાટોરિયમનો લાભ વર્કિંગ કેપિટલ લોન ઉપર પણ આપવામાં આવ્યું છે.
આર્થિક વૃદ્ધિદર વિશે આ વર્ષનાં પ્રથમ સત્તાવાર અનુમાનમાં રિઝર્વ બેન્કે વર્ષ એપ્રિલ 2020થી માર્ચ 2021માં જીડીપી વૃદ્ધિ નકારાત્મક રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આરબીઆઈએ નાણાનીતિની સમીક્ષામાં આ વિશે કોઈપણ અનુમાન આપવાનો ઈનકાર કર્યો હતો. ફુગાવા વિશે એવી ધારણા બાંધવામાં આવી છે કે પ્રથમ અડધા વર્ષમાં તેમાં વધારો અને પછી ઘટાડો દેખાશે. ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં ફુગાવો 4 ટકાથી ઓછો આવી જશે. શક્તિકાંત દાસે આગળ જણાવ્યું હતું કે, કૃષિ અને તેની સંલગ્ન પ્રવૃત્તિએ અર્થતંત્રને આશાનું કિરણ બતાવ્યું છે અને હવે નૈઋત્ય ચોમાસુ પણ સામાન્ય રહેવાની સંભાવનાએ આ આશાવાદને વધુ પ્રબળ બનાવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer