ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થતા જ દલાલો સક્રિય

ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થતા જ દલાલો સક્રિય
6,36,727 લાખની ટિકિટ સાથે 14 દલાલ અને 8 એજન્ટ ઝડપાયા
નવી દિલ્હી, તા. 22 : લોકડાઉનના ચોથા તબક્કા વચ્ચે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થતાની સાથે જ દલાલ પણ ફરી સક્રિય થઈ ચુક્યા છે. જેના કારણે ટ્રેન ટિકિટનું ફર્જી ઓનલાઈન બુકિંગ અને કાળાબજારની પણ શરૂઆત થઈ છે. આ દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ છેતરપિંડી કરીને ટિકિટ બુક કરનારા 8 આઈઆરસીટીસી એજન્ટ ઉપર કાર્યવાહી કરી  છે. આ આઈઆરસીટીસી એજન્ટ સિસ્ટમમાં ઘુસીને ફર્જી ટિકિટ બુક કરતા હતા. જાણકારી મુજબ 14 દલાલ અને 8 એજન્ટ પાસેથી 6,36,727 રૂપિયાની ટિકિટ જપ્ત કરવામાં આવી હતી.
પીઆઈબીના મહારાષ્ટ્ર યૂનિટના એક ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, એજન્ટ ટિકિટ બુક કરવા માટે પર્સનલ આઈડીનો ઉપયોગ કરતા હતા. ટિકિટ મોંઘા ભાવે વેંચતા તમામ એજન્ટને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઓનલાઈન ટિકિટના કાળાબજારને રોકવા માટે આરપીએફ પણ ફરીથી સક્રિય થઈ  છે. જેના કારણે ટિકિટ બુક કરનારા એજન્ટો અને દલાલ આરપીએફની ઝપટમાં આવ્યા છે. આરપીએફએ દલાલો સામે કાર્યવાહીનું અભિયાન ગત 20 મેના રોજ શરૂ કર્યું હતું. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમના ડેટાની તપાસ બાદ કાળાબજાર થતા હોવાની માહિતી મળી હતી અને તપાસ શરૂ થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer