‘સમયસર લોકડાઉન ન જારી કર્યું હોત તો આજે 37,000થી 78,000 મૃત્યુ હોત’

‘સમયસર લોકડાઉન ન જારી કર્યું હોત તો  આજે 37,000થી 78,000 મૃત્યુ હોત’
સ્વાસ્થય મંત્રાલયનો દાવો: કેસ બમણા થવાનો દર વધીને 13.3 દિવસ થયો અને રિકવરી રેટ પણ 41 ટકા
નવી દિલ્હી, તા. 22 : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પીડિતોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી વધુ 6088નો વધારો નોંધાયો છે અને સંક્રમિતોની સંખ્યા 1,18,447 સુધી પહોંચી ગઈ તો વધુ 148 મૃત્યુ સાથે મરણઆંક 3583 થયો છે. અલબત્ત, કેસો બમણા થવાનો દર ધીમે ધીમે વધી રહ્યો છે અને કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર હવે દર 13.3 દિવસે આ દર બમણો થાય છે. સાથે જ રિકવરી રેટ પણ વધીને 41 ટકાને પાર કરી ગયો છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના વાયરસના દર્દીઓમાં દેખાતા લક્ષણને લઈને એક નિવેદન જારી થયું હતું. જેમાં ડિસ્ચાર્જ પોલિસીનો ઉલ્લેખ થયો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અત્યારસુધીમાં 69 દર્દી એવા છે જેનામાં કોઈ લક્ષણ દેખાયા નથી. તેવામાં આવા લોકોની નિયમિત તપાસ થશે અને તાપમાન અને પલ્સ રેટમાં વિશેષ ફેરફાર ન દેખાય તો ડિસ્ચાર્જ કરવામાં આવશે.
બીજી તરફ આઈ.સી.એમ.આર.ના રમન ગંગાખેડકરના જણાવ્યા અનુસાર દેશમાં સળંગ ચોથા દિવસે કોરોના વાયરસના એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના 80 ટકા કેસ પાંચ રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, દિલ્હી અને મધ્યપ્રદેશના છે. છેલ્લા 24 કલાકમાં 3334 દર્દી સાજા થયા છે. આજે મહારાષ્ટ્રમાં 64 દર્દીએ દમ તોડયો હતો. રાજ્યમાં આજે વધુ 2345 કેસ નોંધાયા હતા અને કુલ કેસ 41,642 થઈ ગયા છે. તામિલનાડુમાં આજે નવા 786 કેસ દર્જ થયા હતા અને અહીં સંક્રમિતોનો આંક 13,967 થઈ ગયો છે. 12,905 કેસ સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે. કોરોના સાથે અસરકારક લડાઈ લડનારા કેરળમાં ફરી મહામારી માથું ઊંચકતી હોય તેમ આજે નવા 42 કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સમયસર લોકડાઉન જારી કર્યું ન હોત તો આજે દેશમાં કોરોનાથી 37,000થી 78,000 મોત હોત અને 14થી 29 લાખ કેસ થઈ ગયા હોત.
 
ઇટાલીમાં કોરોના મૃત્યુદરમાં ઘટાડો :
વિશ્વમાં કોરોનાના કુલ કેસ 52.27 લાખ થયા
વિશ્વભરમાં કોરોનાના જારી કેર વચ્ચે ઈટાલીમાં ત્રણ મહિના બાદ હવે મહામારીનો આંક નીચે આવી રહ્યો છે અને એક સમયે સૌથી પ્રભાવિત દેશોમાં સામેલ ઈટાલીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટી રહી છે.  વિશ્વમાં કોરોનાના કુલ કેસ 52,27,331 થયા હતા જ્યારે મૃત્યુઆંક વધીને 3,35,223 થયો હતો. બીજીતરફ સાજા થનારાઓની સંખ્યા પણ વધીને 21,03,949 પહોંચી હતી. સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં 96,377 લોકોનાં મોત થયાં છે. અહીં પ્રભાવિતોની સંખ્યા 16,21,727 થઈ છે.
ઈટાલીમાં કેસોની કુલ સંખ્યા 2,28,006 છે જેમાંથી 32486નાં મોત થયાં હતાં જ્યારે 1,34,560 લોકો સાજા થઈ ચૂક્યા છે. અમેરિકા, રશિયા, સ્પેન, ઈટાલી, યુકે, ફ્રાન્સ, જર્મની હજુ પણ આ વાયરસ સંક્રમણની ચપેટમાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer