આર્થિક પેકેજ ગરીબો સાથે ક્રૂર મજાક: સોનિયા ગાંધી

આર્થિક પેકેજ ગરીબો સાથે ક્રૂર મજાક: સોનિયા ગાંધી
22 વિપક્ષી દળોની ઓનલાઈન બેઠક યોજાઈ
અમ્ફાન ચક્રવાત પછી બંગાળ, ઓરિસ્સાનાં પુનર્વસનને પ્રાથમિકતા આપવા કહેવાયું
આનંદ વ્યાસ
નવીદિલ્હી,તા.22: કોરોના સંકટ વિશે ચર્ચા-વિચારણા કરવાં માટે આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા પહેલીવાર વિપક્ષની ઓનલાઈન બેઠક યોજી હતી. જેમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, સરકારે હવે તો લોકતાંત્રિક હોવાનો દેખાડો પણ બંધ કરી દીધો છે અને ગરીબો માટે કોઈ દયા કે કરુણાનો ભાવ નથી. સરકાર તરફથી ઘોષિત આર્થિક પેકેજ સુધારાના નામે માત્ર દેખાડો છે.
કોરોના મહામારી સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની કાર્યપ્રણાલીની આલોચના કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, હવે તમામ સત્તા વડાપ્રધાન કાર્યાલયમાં કેન્દ્રિત થઈ ગઈ છે. સંઘવાદની ભાવના આપણા બંધારણનું અભિન્ન અંગ છે પણ તેને જ ભૂલાવી દેવામાં આવ્યું છે.
અર્થતંત્ર સખત લથડી ગયું હોવાનું ટાંકીને તેમણે કહ્યું હતું કે, તમામ પ્રતિષ્ઠિત અર્થશાત્રીઓએ તાત્કાલિક રાજકોષીય સહાયતાની આવશ્યકતા દર્શાવી હતી પણ વડાપ્રધાને જાહેર કર્યુ 20 લાખ કરોડનું પેકેજ. જેની જાહેરાત નાણામંત્રીએ સતત પાંચ દિવસો સુધી કરી અને તે આખરે તો ગરીબોની ક્રૂર મજાક બની ગયું.
આજની આ ઝૂમ કોન્ફરન્સમાં પશ્ચિમબંગાળ મુખ્યમંત્રી મમતા બેનરજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ હાજરી આપી હતી પણ ગેરહાજર પ્રમુખ ચહેરાઓમાં બસપાનાં વડા માયાવતી, સપાનાં વડા અખિલેશ યાદવ અને દિલ્હી મુખ્યમંત્રી અને આપનાં નેતા અરવિંદ કેજરીવાલનો સમાવેશ થતો હતો. તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવનાર શિવસેનાનં નેતા ઉદ્ધવ ઠાકરે પહેલીવાર આવી વિપક્ષી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ દરમિયાન સોનિયા ગાંધીએ કોરોના સામે લડવા માટે સરકારની રણનીતિ ઉપર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, ઉપરાઉપરી લોકડાઉનનાં સકારાત્મક પરિણામો મળ્યા નથી. કોરોના સામેનાં યુદ્ધને 21 દિવસમાં જીતી લેવાની વડાપ્રધાનની શરૂઆતી આશા ઠગારી નીવડી છે. એવું લાગે છે કે આ વાયરસ દવા નહીં મળે ત્યાં સુધી ટકી રહેશે. સરકાર લોકડાઉનનાં માપદંડો બારામાં નિશ્ચિત નહોતી. તેની પાસે આમાંથી બહાર નીકળવાની પણ કોઈ રણનીતિ નથી.
આજની આ બેઠકમાં કુલ મળીને 22 વિપક્ષી દળોનાં નેતાઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને તેમના દ્વારા અમ્ફાન ચક્રવાતથી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં મચેલી તબાહી બાદ પુનર્વસનને સર્વાધિક પ્રાથમિકતા આપવા કહેવાયું હતું.
 
રિઝર્વ બેન્કના નિર્ણયોથી દેશમાં ભયાનક મંદીના સંકેત : કોંગ્રેસ
નવી દિલ્હી, તા.22 (પીટીઆઈ) : આરબીઆઈ દ્વારા જારી રાહતો પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસે કહ્યું હતું કે કેન્દ્રીય બેન્કનાં આજનાં પગલાંઓથી દેશમાં ભયાનક મંદીના સંકેત મળી રહ્યા છે.
પક્ષના પ્રવક્તા ગૌરવ વલ્લભે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેપો રેટમાં ઘટાડાનો ફાયદો આમ આદમીને નહીં મળે કેમકે અત્યારે કર્જની માંગ જ નથી. જોકે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને સસ્તું કર્જ લેવાનો ફાયદો મળી શકે છે. જોકે આનો સૌથી મોટો દુષ્પ્રભાવ એ પડશે કે એફડી અને બચત ખાતા પરનાં વ્યાજ ઘટી જશે. તેમણે કહ્યું કે પહેલી જ વખતે આરબીઆઈએ સ્વીકાર કર્યો છે કે જીડીપીનો વિકાસદર વર્તમાન નાણાકીય વર્ષમાં નકારાત્મક રહેશે.આનો અર્થ એ થયો કે તે દેશમાં ભયાનક મંદીનો સંકેત છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer