લોકડાઉનમાં સક્રિય જિનીંગ મિલોને થઇ “કમાણી’’

(ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ, તા.22 : લોકડાઉનના આરંભે બંધ પડેલા જિનીંગ ઉદ્યોગને બાદમાં છૂટછાટો મળતા શરું થયેલા જિનોને કમાણી પણ તગડી થઇ છે. રુ બજારમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતભરમાં લોકડાઉન વખતે માંડ 15થી 20 ટકા જિનો છૂટછાટમાં ચાલુ થઇ હતી. આવા જિનોને કપાસની મળતર સસ્તાં ભાવમાં થઇ અને રુની ખપત ઉંચા ભાવમાં થતા સારો માર્જિન પ્રાપ્ત થયો છે.
સૌરાષ્ટ્ર કપાસ, કપાસિયા અને ખોળ એસોસીએશનના પ્રમુખ અવધેશ સેજપાલ કહે છે, લોકડાઉન શરું થયું ત્યારે સીસીઆઇ એટલી સક્રિય ન હતી. જોકે ખેડૂતોને નાણાની જરુર રહેતા ખૂલ્લા બજારમાં કપાસની વેચવાલી સારી હતી. પરિણામે ચાલી રહેલી જિનોને માલ મળ્યો હતો. કપાસ રુ. 675થી 950 સુધી ગ્રેડ પ્રમાણે મળ્યો હતો. જિનીંગ મિલોએ ચલાવ્યો અને રુ પણ બનાવ્યું તેમને ફાયદો મળ્યો હતો. એક જિનર કહે છે, મહારાષ્ટ્ર, આંધ્ર અને સૌરાષ્ટ્રનો કપાસ રુ. 900-950માં ખરીદીને રુ બનાવવામાં આવે તો નફો સારો મળે છે. ખેડૂતો અગાઉ રુ. 1100માં વેચવાની જીદ કરતા હતા તે હવે સસ્તાંમાં કપાસ વેંચવા લાગ્યા છે. અત્યારે રુના વેપાર રુ. 32500-32700 આસપાસ થાય છે. કપાસિયા અને ખોળ ઘટયા છે છતાં જિનોને ફાયદો છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અત્યારે 75-80 જેટલી જિનીંગ મિલો ચાલુ છે. અમુક કલાકો સુધી કામકાજ પણ ચાલે છે. સીસીઆઇમાં ન જતો હોય તેવો કપાસ જિનોને સરળતાથી મળે છે. ફરધરના સોદા પણ રુ. 700માં થાય છે. તેમાંથી બનતું રુ રુ. 22500માં ખપી જાય છે. આમ લોકડાઉનમાં જે જિનો ચાલુ રહ્યા તેમને પાછલા દાયકામાં ન થઇ હોય તેવી કમાણી ટૂંકાગાળામાં થઇ હોવાનું પણ કહેવાય છે. ઘઉં, ચણા અને મકાઇનું ભૂસું-ચૂરમું, કઠોળ અને શાકભાજી મળી રહેતું હોવાથી ચારા માટે ખોળની માગ સાવ ઘટી ગઇ છે. ભેળસેળ પણ વ્યાપક થતી હોવાથી ખોળનો વપરાશ ઘટયો છે ત્યારે ભાવ અઠવાડિયામાં નોંધપાત્ર તૂટી ગયા છે. કપાસિયા ખોળનો ભાવ રુ. 70-80 તૂટીને રુ. 1050-1200 સુધી થઇ ગયો છે. કડીમાં 60 કિલો રુ. 1340-1360માં વેચાય છે. કપાસિયા સંકર પણ રુ. 35 તૂટીને રુ. 490-500માં મળવા લાગ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer