પોરબંદર-અમદાવાદ, પોરબંદર-મુંબઈ ફલાઈટ 25મીથી શરૂ થવાના એંધાણ

એરલાઈન્સ કંપનીની વેબસાઈટ દ્વારા બુકિંગ શરૂ
(ફૂલછાબ ન્યૂઝ) પોરબંદર: પોરબંદરથી નિયમિત મુંબઈની સ્પાઈસ જેટ વિમાની સેવા અને અમદાવાદની ટ્રુ જેટ વિમાની સેવા કાર્યરત હતી પરંતુ લોકડાઉનમાં વિમાની સેવાને સંપૂર્ણ બંધ જાહેર કરવામાં આવતા છેલ્લા બે મહિનાથી સેવા બંધ હતી અને હવે 25 મેથી દેશમાં એવીએશન સેક્ટરને સરકારે મંજૂરી આપતા પોરબંદરથી અમદાવાદ અને મુંબઈની વિમાની સેવા ફરી શરૂ થવાના સંકેત મળ્યા છે.
મુંબઈથી આવતી 25 મેના રોજ સ્પાઈસ જેટની વિમાની સેવા શરૂ થશે અને તેના માટે બુકિંગ શરૂ થયું છે. તેવી જ રીતે અમદાવાદથી ટ્રુ જેટની વિમાની સેવા શરૂ થશે અને 25 મેના રોજ ફરી વખત શરૂ થશે અને બુકિંગને શરૂ કરી દેવાયા છે.
લોકડાઉન જાહેર થયું તે પૂર્વે જે પેસેન્જરે લોકડાઉનના દિવસોની ટિકિટ બુક કરેલી હતી તેઓને આગામી એક વર્ષ માટે ફરી કોઈપણ દિવસની ટિકિટ બુક કરાવવા માટેની મર્યાદા એરલાઈન્સ કંપનીએ પોલીસી મુજબ જાહેર કરી છે અને જે દિવસની ટિકિટ બુક કરાવવી હોય તે દિવસના રેઈટ ડિફરન્સના પૈસા એરલાઈન્સ કંપનીને ભરવાના રહેશે. એરલાઈન્સ કંપનીઓએ અગાઉથી ઓછા દરની ટિકિટની સ્કીમ બહાર પાડી હતી અને પોરબંદરથી અમદાવાદ સુધીની ટિકિટ માત્ર 800માં પણ જાહેર કરવામાં આવી હતી અને અનેક લોકોએ માત્ર રૂપિયા 800માં પ્લેનમાં બેસવા મળશે તેવી સ્કીમ જોઈને ટિકિટો બુક કરી હતી ત્યારે હવે નવા શેડયુઅલમાં પોરબંદર-અમદાવાદની ટિકિટ 2300 રૂપિયાના દરથી જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકોને ડિફરન્સના પૈસા ભરીને નવી ટિકિટ બુક થઈ શકશે. જેથી વધુ પૈસા ચૂકવવા પડશે તે સામે ટ્રાવેલ એજન્ટ પણ એરલાઈન્સ કંપનીમાં રજૂઆત કરશે. કેમ કે પેસેન્જર અને ટ્રાવેલ એજન્ટ વચ્ચે પણ ટિકિટના દર બાબતે રકઝક થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
વેબસાઈટ મુજબ 25 મેની સ્પાઈસ જેટની મુંબઈ-પોરબંદર ટિકિટ દર 2600 રૂપિયા આસપાસ દર્શાવી રહ્યો છે અને પોરબંદરથી મુંબઈ 3400 આસપાસનો દર તેમજ અમદાવાદથી પોરબંદર ટ્રુ જેટનો 25 મેનો દર રૂપિયા 2310 આસપાસ અને પોરબંદરથી અમદાવાદનો ટ્રુ જેટનો દર રૂપીયા 2310 હાલ બતાવી રહ્યો છે જે એરલાઈન્સની પોલિસી મુજબ કોઈપણ સમયે ફેરફાર થતો રહે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer